પાટણમાં ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત અને વિવિધ સંસ્થાઓના નેજા હેઠળ વ્યાયામ શિક્ષકો એ પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં આવે તેવી માગ સાથે મોટી સંખ્યામાં શ્રી સિધવાઈ માતાજીના પ્રાંગણમાં એકત્રિત થઈ ત્યાથી રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
વ્યાયમ શિક્ષકો છેલ્લા દોઢ દાયકાથી ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માગ કરી રહ્યા છે. અને હાલમાં હંગામી ધોરણે નિમાયેલા ખેલ સહાયકોને 11 માસના કરાર પૂર્ણ થતાં સરકાર દ્વારા છૂટા કરી દેવાયા છે. આ શિક્ષકો છેલ્લા 20 દિવસથી ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી સરકાર ને રજુઆત કરી રહ્યા છે છતાં સરકાર આ મામલે કોઈ હકારાત્મક અભિગમ અપનાવતી ન હોય જેને ધ્યાનમાં રાખીને સોમવારે ક્રીડા ભારતીએ તેમની માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં આવે તે માટે પોતાની રજુઆત સાથે નું આવેદનપત્ર ગુજરાત ના તમામ જિલ્લા મથકોએ આપવા માટે નો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જે કાર્યક્રમ પાટણ ખાતે પણ યોજી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્ર તેઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં 5075 જેટલી શારીરિક શિક્ષણની ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવામાં આવે. NEP 2020 માં શારીરિક શિક્ષણને વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે મહત્વનું ગણવામાં આવ્યું છે.અને સમર્થ ભારતની સંકલ્પના, ખેલ મહાકુંભ અને આગામી કોમનવેલ્થ તથા ઓલિમ્પિક સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને દરેક શાળામાં વ્યાયામ શિક્ષકની નિમણૂક આવશ્યક છે. આથી સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેવી માંગણી કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના શારિરીક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.