ગુજરાતના ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

ગુજરાતના ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

વડાપ્રધાનના માર્ગદર્શન અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહ સંરક્ષણ સફળ બન્યું ; ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્ય અને દેશ માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે. આ સિંહોની વસ્તીમાં 196 નર, 330 માદા અને બાકીના પાઠડા તેમજ બાળ સિંહનો સમાવેશ થાય છે. આ આંકડો 2001માં નોંધાયેલી 327 સિંહોની સંખ્યાથી અઢી ગણો વધારે છે, જે સિંહ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની અદભુત સિદ્ધિ દર્શાવે છે.રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં આ ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં વનકર્મીઓ અને સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો, ગ્રામજનો સહિત કુલ 3854 માનવબળ જોડાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી, જેના પરિણામે સચોટ આંકડા મેળવવામાં મદદ મળી છે. સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરાયો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી. આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન દ્વારા સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં આવી, જેમાં GPS લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થયો. GIS સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાયે, ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 74મા સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય માવજત, સ્થાનિક લોક સહભાગિતા, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકોડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ જેવા પાસાંઓને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળનો આ પ્રોજેક્ટ લાયન 2047 ભવિષ્યમાં સિંહ સંરક્ષણને વધુ સંગીન બનાવશે.આ પ્રસંગે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ પંકજભાઈ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસભાઈ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડો. એ.પી. સિંઘભાઈ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડો. જયપાલસિંહભાઈ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારભાઈએ સિંહની વસ્તી અંદાજો માટે અપનાવેલી ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિ અને રિયલ લાયન ટ્રેકિંગ અંગેની વિગતો આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *