સાંતલપુરઃ કોરોના વચ્ચે તીડ ત્રાટક્યા, નિયંત્રણ માટે ટીમ દોડી
રખેવાળ, પાટણ
કોરોના વાયરસના કહેર વચ્ચે સાંતલપુર તાલુકામાં ખેડૂતો માટે આફતની સ્થિતિ બની છે. આજે સવારે પંથકમાં તીડના અલગ-અલગ ઝુંડે દેખાતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ સાથે તાલુકાના સરહદી ગામોમાં પણ તીડનું ૧ ઝુંડ દેખાતા ખેતીવાડી વિભાગ પણ સક્રીય થયુ છે. તંત્ર દ્રારા તીડ નિયંત્રણ માટે અલગ-અલગ ટીમો બનાવી જ્યાં તીડ દેખાય ત્યા નિયંત્રણની કામગીરી હાથ ધરાઇ રહી છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા સહિતના વિસ્તારમાં તીડના ઝુંડ દેખાયા છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તીડના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાટણ જીલ્લા ખેતીવાડી વિભાગ પણ હરકતમાં આવ્યુ હોય તેમ ૧૫ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. જ્યાં પણ તીડ દેખાય ત્યાં આ ટીમ દ્રારા નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે હાલ ઉનાળુ વાવેતર નહિવત હોવાથી તીડનો ખતરો ઓછો છે.
સમગ્ર મામલે પાટણ જીલ્લા ખેતી નિયામક શૈલેષ પટેલે જણાવ્યુ હતુ કે, તીડનું ૧ ઝુંડ સાંતલપુર તાલુકાના દાત્રાણા સહિતના વિસ્તારમાં જોવા મળ્યુ છે. જેને નિયંત્રણ કરવા ગામસેવક સહિતની ટીમ મોકલવામાં આવી છે. આ સાથે તીડના નિયંત્રણ માટે જીલ્લામાં કુલ ૧૫ ટીમો પણ બનાવવામાં આવી છે. તીડ નિયંત્રણ માટે દવા સહિતનો જથ્થો પણ ઉપલબ્ધ છે. જોકે હાલ આ વિસ્તારમાં ઉનાળુ વાવેતર ઓછુ હોવાથી ખેતીને નુકશાનની શક્યાતા ઓછી છે.