અમદાવાદમાં કાલુપુર ચોખાબજારના વેપારીઓનો CMનેપત્ર, ‘સાહેબ બજાર ખોલાવો.. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું!’
કોરોનાના કહેર વચ્ચે રાજ્ય ધીરે-ધીરે પૂર્વવત થઇ રહ્યું છે. અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઇ છૂટછાટ અપાઈ નથી પણ પશ્ચિમ વિસ્તારના જે નોન કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તાર છે ત્યાં અમુક છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા ચોખાબજારને ખોલવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ સાથેનો પત્ર કાલુપુર ચોખાબજારના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે, સાથે જ સરકારે બહાર પાડેલી ગાઈડલાઇનના સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું પાલન કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
શહેરના કાલુપુર વિસ્તારમાં સૌથી મોટું ચોખાબજાર આવેલું છે. ધી કાલુપુર દાણાપીઠ જનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે કાલુપુર ચોખાબજારમાં દરેક ખાદ્યાસામગ્રીની દુકાનો આવેલી છે. દુકાનો તેમજ ગોડાઉન લાંબા સમયથી બંધ હાલતમાં છે. ચોખાબજારમાંથી સમગ્ર રાજ્યમાં ચીજવસ્તુઓનું સપ્લાય થાય છે. ચોખાબજારમાં રહેલી દરેક ખાદ્ય સામગ્રી અને ચીજવસ્તુઓ બગડી ન જાય તે માટે ચોખાબજાર ખોલવા માટેની પરવાનગી આપવામા આવે. અમે કોરાના અને લોકડાઉનની ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક, સેનિટાઇઝેશન સહિતના નિમયોનું પાલન કરીશું.