રાજકોટનાં યાગરાજ નગર ડે. મેયરના વિસ્તારમાં રોડ-રસ્તાની બિસ્માર હાલતમાં
રાજકોટ મનપા દ્વારા રોડ-રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવતી હોય છે તેમછતાં શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. શહેરનાં ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનાં વિસ્તારમાં પણ લાંબા સમયથી રોડ-રસ્તાની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. ખરાબ રસ્તાને કારણે અહીં હેવી વાહનો ખૂંચી જવાના તેમજ અકસ્માતના બનાવો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માગ ઉઠી છે. જોકે, ડે. મેયરે આ વિસ્તારનાં લોકોની સમસ્યા ઉકેલવા કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે ત્યારે આ વિસ્તારની સમસ્યા ક્યારે દૂર થશે? તે જોવું રહ્યું.યાગરાજ નગર આસપાસના વિસ્તારોની સમસ્યા અંગે જાણકારી મળતા દિવ્યભાસ્કરની ટીમ ત્યાં દોડી ગઈ હતી. જેમાં શહેરનાં પોષ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાનું જોવા મળ્યું હતું. ગામડા જેવો કાચો રસ્તો અને તેમાં પણ ઠેર-ઠેર ખાડા પડી જતા રસ્તા પરથી ટુ-વ્હીલર લઈને જવું પણ મુશ્કેલ પડતું હતું. સ્થાનિકો સાથે વાત કરતા આ વિસ્તાર ડે. મેયરનો હોવાનું અને આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નહીં હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે જ ખરાબ રસ્તાને કારણે પાણી ભરાઈ જવા અને અકસ્માતો થવાની ઘટનાઓ રોજિંદી બની હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાનો લાંબા સમયથી અભાવ છે. રસ્તા, ગટર અને પાણીનો પ્રશ્ન મુખ્ય છે. હાલ તમારી સામે જ ટ્રક ફંસાઈ ગયો હોવાનું જોવાઈ રહ્યું છે. હવે આ ટ્રક બહાર કાઢવા માટે સામાન રસ્તા ઉપર નખાશે એટલે રસ્તો થોડીવાર માટે બ્લોક થઈ જશે. આવી ઘટનાઓ અહીં રોજીંદી બની છે. ચોમાસા દરમિયાન અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. ગટરની અરજી 5 મહિના પહેલા કરેલી હોવા છતાં હજુ સુધી કોઈપણ કામગીરી થઈ નથી. જેને કારણે રસ્તામાં અવારનવાર ગટરનાં પાણીની રેલમછેલ થતી હોય છે. લોકો વેરા ભરતા થયા છે ત્યારે થોડું કામ પણ કરવું જોઈએ. ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાને વીડિયો મોકલી રૂબરૂ રજૂઆત કરી છે પરંતુ, માત્ર આશ્વાસન આપવા સિવાય કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અમે 8 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારનો સમાવેશ રાજકોટમાં કરવામાં આવી ચૂક્યો છે તેમછતાં અહીં કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં રોડ-રસ્તા અને ગટર જેવા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી. ખરાબ રસ્તાને કારણે અહીં રહેતી મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તેવી અમારી માગ છે. શશીકાંતભાઈ સોનેજીનાં જણાવ્યા મુજબ છેલ્લા 3-4 વર્ષથી આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધા માગી રહ્યા છે. રોડ-રસ્તા, ગટર તેમજ નળની લાઇન સહિતની બાબતે અમારા વિસ્તારનાં કોર્પોરેટર અને ડે. મેયર એવા નરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆતો કરવામાં આવી ચૂકી છે તેમછતાં હજુ સુધી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. ચૂંટણી સમયે તેઓએ જણાવ્યું હતું કે, મારો નંબર નોંધી લો અને ગમે ત્યારે કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો માત્ર ફોનથી તમારું કામ થઈ જશે. જોકે, આજે 3 વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં તેઓ જોવા પણ આવ્યા નથી. અમારા જ વોર્ડમાં આવતા રેલનગર સહિતના વિસ્તારોમાં તમામ સુવિધા છે. જ્યારે અમારા વિસ્તારમાં એકપણ સુવિધા નથી ત્યારે આવો ભેદભાવ શા માટે રાખવામાં આવે છે? તે સમજાતું નથી. નજીકમાં નવી કોર્ટ હોવા છતાં રોડ-રસ્તાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તેવી અમારી માગ છે.