દીકરી સાથે ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષા આપી રહ્યા છે વાડજના મહિલા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, તેઓ ભણીગણીને દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરી રહી છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ છે, જેઓ અભ્યાસ કરીને પોતાના દમ પર કંઈક કરવા માગતી હતી. પરંતુ કોઈ કારણોસર ભણતર અધૂરું જ છોડી દેવું પડયું. જો કે, તેમણે હાર માની નહીં અને જ્યારે પણ પોતાનું સપનું પૂરું કરવાની તક મળી તો ઝડપી લીધી. હાલ ગુજરાતમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે શહેરના વાડજ વિસ્તારમાં રહેતી મા-દીકરીની એક એવી જોડી છે

જેઓ સાથે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી રહી છે. ગત અઠવાડિયે જ્યારે પરીક્ષા શરૂ થઈ ત્યારે ૩૪ વર્ષીય મોનિકા સોલંકી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી ૧૭ વર્ષની દીકરી ડોલી માટે જ નહીં પરંતુ પોતાના પર્ફોર્મન્સને લઈને પણ નર્વસ હતા. મોનિકા સોલંકી, જેમણે ૨૦૧૫માં ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી હતી, તેઓ આઠ વર્ષ બાદ ધોરણ ૧૨ માટેની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. બંને સારું રિઝલ્ટ લાવે તે માટેની જવાબદારી મોનિકાના પતિ જગ્દિશભાઈએ ઉપાડી હતી, જેમણેM.ComઅનેBEdકરેલું છે. જગ્દિશભાઈ જ મા-દીકરી બંનેને નિયમિત ટયૂશન આપતા હતા.

જ્યારે હું પ્રાથમિક વર્ગમાં હતી ત્યારે સ્કૂલેથી આવ્યા બાદ મારા મમ્મી મને શીખવતા હતા અને હોમવર્ક કરવામાં મદદ કરતાં હતા. પરંતુ ભૂમિકા હવે ઊંધી થઈ ગઈ હતી અને રોજ સાંજે અમે સ્ટડી સેશન રાખીએ છીએ, જેમાં હું સ્ટેટ અને અકાઉન્ટ જેવા વિષયોમાં તેમની ક્વેરી સોલ્વ કરતી હતી’, તેમ ડોલીએ સ્થાનિક અખબાર અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં કહ્યું હતું. લગ્ન પહેલા મોનિકા સોલંકીએ માત્ર ધોરણ ૧૦ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમના પતિએ પ્રોત્સાહન આપતાં તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા. આમ તેમણે ૨૦૧૫માં ધોરણ ૧૦ માટે બોર્ડની પરીક્ષા આપી હતી.

હાલ, તેઓ બે બાળકોના માતા છે. ‘હું ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરવામાં સફળ રહી હતી. પરંતુ કોલેજનું શિક્ષણ લેવાનો વિચાર મારા મગજમાંથી ખસી રહ્યો નહોતો. મારા પતિ અને બાળકોએ મને ઘણો સપોર્ટ આપ્યો હતો. હું સવારે પાંચ વાગ્યે ઉઠતી હતી અને ઘરનું કામ કર્યા બાદ બપોર પછી અભ્યાસ કરતી હતી. મારા પતિ પણ મને શીખવાડતા હતા’, તેમ તેમણે ઉમેર્યું હતું. મોનિકા, જેમણે ખાનગી વિદ્યાર્થી તરીકે પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે, તેઓ કોલેજનું શિક્ષણ લેવાની ઈચ્છા ધરાવે છે. તેમની દીકરીને જે કોલેજમાં એડમિશન મળે તેમાં તેઓ જઈ શકશે તેવી આશા રાખી રહ્યા છે. તેમનું કહેવું હતું કે, બાળકોના સપનાઓ પૂરા કરવા માટે માતા-પિતા તનતોડ મહેનત કરે છે અને તેમને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે બાળકોએ પણ માતા-પિતાના સપનાઓ પૂરા કરવામાં સપોર્ટ આપવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.