અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા, એસજી હાઇવે પર ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર વહેતા થયા પાણી
બિપરજોય ચક્રવાત ગઈકાલે કચ્છ સાથે ટકરાઈ ચૂક્યું છે, જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરના વાડજ, શાહીબાગ, શાહપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જો કે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. તેમજ ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. સાડા ત્રણ વાગ્યાની આસપાસ શહેરના એલિસબ્રિજ, લાલ દરવાજા, જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
ભારે પવનને લઈને સાબરમતી નદી પણ ભયાનક રૂપમાં દેખાઈ રહી છે. સાબરમતી નદીમાં દરિયાની જેમ લહેરો ઉઠી રહી છે. પવન એટલો વેગથી ફૂંકાઈ રહ્યો છે કે, નદીના બ્રિજ ઉપર ઉભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. પિક અવર્સમાં નોકરીયાત લોકો જે વાહનો લઈને પસાર થઈ રહ્યા હોય તેમણે વાહનોનું બેલેન્સ જાળવવા મથામણ કરવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેરમાં બિપરજોય વવાઝોડાની અસરને લઈને ગઈકાલે જ તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી દ્વારા આવા સમયે ઝાડ અને વીજપોલથી દુર રહેવા સૂચના અપાઈ ચુકી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ માટે શહેરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Tags Ahmedabad Gandhinagar Gujarat