વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરોએ ખવાય તેવું પ્લાસ્ટિક બનાવ્યું
સુરતમા આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો દ્વારા ઘરમાં ખાવા-પીવામાં આવતી વસ્તુઓના સંશોધન થકી પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે,જે પ્લાસ્ટિક આપણે ખાઈ શકીએ છીએ.પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને તેના માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,ત્યારે રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિકનો મહદંશે ઉપયોગ કરતા હોઈએ છીએ,પરંતુ વધુપડતો પ્લાસ્ટિકનો વપરાશ પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા સાબિત થાય છે.ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા એક એવું સંશોધન કરવામાં આવ્યું છે જેમાં તેમણે રોજિંદા ખાવા પીવામાં વપરાતા અનાજ તેમજ શાકભાજીના સ્ટાર્ચમાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે આપણે ખાઈ પણ શકીએ છીએ અને તેની કોઈ આડઅસર પણ નથી.જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના પ્રોફેસર ડો.આઇ.બી.પટેલે કહ્યુ હતુ કે વર્તમાનમા જે પ્લાસ્ટિક આવે છે તે પીવિસી અને અન્ય પોલિમર જેવા છે.જેમાં કેમિકલ આવે છે. જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્ને માટે નુકશાનકર્તા છે.તેથી મે અને મારા વિદ્યાર્થીઓએ સાથે મળીને ઉપયોગમાં લેવાતા શાકભાજી અને અનાજમાંથી નીકળતા સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને અમુક ટેમ્પરેચર સુધી રાખીને તેમાંથી પ્લાસ્ટિક બનાવ્યુ છે.ત્યારે આ પ્લાસ્ટિકને સ્મુધ કરવા માટે તેમાં થોડું દિવેલ પણ ઉમેર્યું છે.બટાકાનું સ્ટાર્ચ અને વિનેગારને મિક્સ કરીને આ પ્લાસ્ટિક બનાવ્યું છે એવી જ રીતે ચોખા કે અન્ય શાકભાજીમાંથી નીકળતા સ્ટાર્ચ કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેનો ઉપયોગ કરીને પણ આ પ્રકારના પ્લાસ્ટિક બની શકે તેમ છે.આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરી શકાય છે.ખાણીપીણીની વસ્તુઓના પેકિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.જ્યારે મેડીસીનમાં કેપ્સ્યુલમાં સૌથી વધુ આનો ઉપયોગ કરી શકાય છે.આ પ્લાસ્ટિક શરીરમાં જાય તો પણ હાનિકારક નથી કારણ કે આ શાકભાજી અને અનાજમાંથી જ બનાવવામાં આવ્યું છે.