સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે દંડ
અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે ગત ફેબ્રુઆરી માસથી શરુ કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા કુલ 18 હજારથી વધારે લોકોને દંડ કરવામાં આવ્યો છે. જેમાં 247 લોકોને તો ટ્રાફિક પોલીસની માફક ઈ-મેમો મોકલીને દંડ વસૂલાયો છે. જાહેર સ્થળોએ થૂંકવા બદલ દક્ષિણ ઝોનમાં સૌથી વધારે અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા લોકો સામે કાર્યવાહી થઈ છે.
અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેર સ્થળોએ પાન, મસાલા, ગુટખા ખાઈને થૂંકતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. 2 ફેબ્રુઆરીથી આ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમદાવાદના સાત ઝોનમાં આ મામલે 18,070 લોકોને મ્યુનિ.ના સ્ટાફે પકડીને દંડ ફટકાર્યો છે. જ્યારે ચાર રસ્તાઓ સહિતના સ્થળોએ લગાવેલા કેમેરા દ્વારા 247 લોકોને ઈ- મેમો મોકલી દંડ કરાયો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી અને ડે. ડાયરેક્ટર મિતેષ શાહના જણાવ્યા અનુસાર જાહેરમાં થૂંકવા બદલ 19,10,010 રૂપિયાનો દંડ લોકોને કરવામાં આવ્યો છે. આ દંડ તો શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે છે, હકીકતમાં મ્યુનિ. કૉર્પોરેશન તંત્ર લોકોની આદત સુધારવા માગે છે. જેથી કાયમ માટે આ સમસ્યાનું નિરાકરણ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે.
આ માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જાહેરમાં થૂંકવાની બાબતને લોકો ભલે સામાન્ય લેતા હોય, પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેક કિસ્સામાં જાહેરમાં થૂંકતા લોકો સામે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરીને સજા પણ કરાવવામાં આવી છે. સામાન્ય રીતે શિક્ષાત્મક કાર્યવાહીમાં દંડ કરાતો હોય છે. પરંતુ દાખલો બેસાડવા માટે આવી કાર્યવાહી પણ કરાઈ છે.