વડોદરામાં વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગતા ભાગદોડ : મહિલા પહેલા માળેથી પટકાતા ઈજાગ્રસ્ત
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. એકાએક આગ લાગતા બિલ્ડિંગની અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ભાગદોડ કરી મુકી હતી. જેમાં એક મહિલા આગથી બચવા પહેલા માળેથી નીચે પટકાય હતી. જેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટના અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યૂ કરી આબાદ બચાવ કર્યો હતો. આ સાથે જ આગને પણ ગણતરીના સમયમાં કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી.આ ઘટનાના પ્રત્યક્ષદર્શી નિલેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં લિફ્ટના ભાગમાં વાયરિંગ આવેલ છે. વાઈરિંગમાં કંઈક પ્રોબ્લેમ થયો અને તેના કારણે બિલ્ડિંગમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગના કારણે બિલ્ડિંગના પાછળના ભાગથી ધૂમાડો નીકળી રહ્યો હતો. અમે જોયું ત્યા સુધીમાં તો આગ છેક બિલ્ડિંગના ટેરેસ સુધી ફેલાઈ ગઈ હતી. આ સમયે ટેરેસ ઉપર પણ 3 લોકો નજરે પડ્યા હતા. અહીંયા એક બેન ઊભા હતા, જેને અમે કહ્યું કે, ઊભા રહો, શાંતિ રાખો પણ એ બેન થોડા ગભરાઈ ગયા અને પગ મૂકવા જતા લપસી પડ્યા અને તેમને કમરમાં ખૂબ જ મોટી ઈજા પહોંચી હોય એવું લાગ્યું. નીચે પડવાના કારણે મહિલાનું લોહી પણ વહી ગયું હતું. તાત્કાલિક 108 બોલાવી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજા માળે જે 3 લોકો હતા, તેઓનું રેસ્ક્યુ કરાવી લીધુ છે. તે પછી 404 નંબરની ઓફિસમાંથી બે લોકોનું રેસ્ક્યુ કરાયુ હતું.
ઘટનાસ્થળ પર હાજર ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટના સમયે જે લોકો બિલ્ડિંગમાં ફસાયેલા હતા તે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ અને અમુક લોકોને ટેરેસ પર મોકલી દેવામાં આવ્યા હતા. બિલ્ડિંગનું નામ વેલ સ્કવેર છે અને આ 7 માળની બિલ્ડિંગ છે. આ ઘટના અંગે જાણ થતાં તુરંત જ ફાયર ઓફિસરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગણતરીના સમયમાં આગ કાબૂમાં લઈ લીધી છે અને તમામ લોકોને સહી-સલામત બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 12-15 ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ઘટના કેવી રીતે બની એ તપાસનો વિષય છે.ડીસીપી જૂલિયા કોઠિયા ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે, યશ કોમ્પલેક્ષની સામે આવેલી વેલ સ્કવેર બિલ્ડિંગમાં આગનો બનાવ બનેલો છે. ઈલેક્ટ્રિક પેનલના કારણે બિલ્ડિંગમાં આગ ભભૂકી હતી. ચોથા માળ સુધી આગ પહોંચી હતી. આ બનાવમાં એક મહિલાએ આગથી ગભરાઈને નીચે જંપલાવ્યું હતું, જેના કારણે તેને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, ઘટનાસ્થળે પોલીસ અને ફાયરવિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને હાલ આગ કાબૂમાં આવી ગઈ છે.