વડોદરા : કોરોનાના નવા ૨૪ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૫૦૦ થયો, શિયાબાગમાં પહેલીવારમાં જ ૨ કેસ નોંધાયા
રખેવાળ, વડોદરા
શહેરમાં શુક્રવારે ૨૩ શહેરીજનો ઉપરાંત એક સાવલીના પુરુષ સહિત ૨૪ વ્યક્તિઓને સંક્રમણ લાગતાં કુલ સંક્રમણનો આંક ૫૦૦ પર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રોજના ૨૦ કેસો સામાન્ય બન્યા છે. શુક્રવારે શહેરના મોગલવાડા, ફતેપુરા, રાણાવાસ, મોટી વોરવાડ, યાકુતપુરા અને શેખફરિદ મોહલ્લો પાણીગેટ સહિત નાના-મોટા ૧૩ વિસ્તારોમાં કોરોનાના કેસો નોંધાયા હતા. જેમાંથી યાકુતપુરામાં ૪, વાડીમાં ૫ અને પાણીગેટ વિસ્તારમાં ૬ કેસો નોંધાયા છે. શહેરની ભાઇલાલ અમીન હોસ્પિટલના તબીબ અને ક્રિકેટર ઇરફાન પઠાણનાં કાકા-કાકી પણ કોરોનાના સંક્રમણમાં આવી ગયાં છે. શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ હવે ઝડપી બની રહ્યું છે. એકને ચેપ લાગ્યા બાદ સમગ્ર પરિવારમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસોથી પરિવારના મોટા સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યા બાદ કિશોર અને બાળકો પણ કોરોનાના ચેપી સંકજામાં આવી રહ્યાં છે. શુક્રવારે શહેરમાં જે પોઝિટિવ કેસો આવ્યા હતા, તેમાંથી મોટાભાગના કેસોમાં પરિવારનું આંતરિક સંક્રમણ જ જવાબદાર હતું. આ ઉપરાંત લોકડાઉનમાં બીજા પરિવારજનોને મળવા જવાનું પણ ભારે પડી શકે છે. કારણ કે શહેરમાં હવે એવા કેસો પણ નોંધાયા છે.
શુક્રવારે નોંધાયેલા કેસમાં ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ઇરફાન પઠાણના કાકા અને કાકીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ અાવ્યો હતો. માંડવીની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં જ વર્ષોથી રહેતા અને કારભાર સંભાળતા માજિદખાન પઠાણ અને તેમના પત્ની પરવીનબાનુ પણ કોરોનાના સંકજામાં સપડાઇ ગયાં છે. માજિદ ખાન ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણના કાકા થાય છે. તેમની તબિયત લથડયા બાદ ચેકઅપ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગોરવાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કાર્યરત સિનિયર તબીબ ડો.અતુલ જાની પણ કોરોનામાં સપડાયા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ કેટલાક સમયથી કોરોનાના દર્દીઓની સારવાર સાથે પણ સંકળાયેલા હતા. જેને લીધે આ ચેપ તેમને લાગ્યો હોવાનું હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું હતું. જોકે હોસ્પિટલના કોઇ સ્ટાફને ક્વોરન્ટાઇન કરાયો નથી, પણ સૂત્રોના જણાવ્યા મુજબ તેમના કુટુંબના સભ્યો તેમની પત્ની, પુત્ર અને સસરાને ક્વોરન્ટાઇન કરાયા છે. આ ઉપરાંત સિક્યુરિટી સ્ટાફ તથા એક કેરટેકર સહિત કુલ ૮ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. કોરોનાની સારવાર સાથે સંકળાયેલા હોય અને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા ડો. અતુલ જાની શહેરના સંભવતઃ પહેલા તબીબ છે.
સાવલીમાં શાકભાજીનો વેપારી કોરોના પોઝિટિવ આવતા નગરપાલિકાએ દવા અને દૂધ સિવાય બાકીની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને આવતીકાલથી શાકભાજીના તમામ વેપારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૫૦૦ દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો ૩૨ ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સુરક્ષિત પગલા પણ લેવાય તે માટે વહીવટીતંત્રે ૨૫૦૦ શાકભાજીવાળાઓએ ૩ દિવસમાં સ્ક્રિનિંગ કરાવવાનુ ફરજિયાત સહિતના નિર્ણયો લીધા છે.