વડોદરા કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક ૧૧ થયો, વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા
રખેવાળ, વડોદરા
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના ૬૫ વર્ષના મહિલા દર્દી ઝુબેદાબેન માંડવીયાનું કોરોના વાઈરસથી મોત થયું છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧ ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ પોઝિટિવની સંખ્યા ૨૧૭ ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં વડોદરાના હરણી-સમા, ફતેપુરા, નાગરવાડા, વાડી ગામ, રાવપુરા અને બહાર કોલોનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાદરા તાલુકાના ચોકારી ગામમાં એક યુવાન અને પારૂલ યુનિવર્સિટી કેમ્પસના નર્સિગ સ્ટાફ ક્વાર્ટ્સમાં રહેતી એક યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં આજે નોંધાયેલા ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓના નામ
-અબ્દુલ રશિદ અરબ (ઉ.૫૫), ગુલિસ્તા એપાર્ટમેન્ટ, બહાર કોલોની
-વાસવી મહેશભાઇ પટેલ (ઉ.૨૧), નર્સિંગ સ્ટાફ ક્વાર્ટ્સ, પારૂલ યુનિવર્સિટી
-ઠાકોરભાઇ ભીખાભાઇ ગોહિલ (ઉ.૩૫), ચોકારી ગામ, પાદરા
-ચંદ્રકાંત વિનોદદાસ (ઉ.૩૨), હરણી, સમા
-યોગીનીબેન નિલેષભાઇ ગાયકે (ઉ.૩૫), કાલુપુરા, ફતેપુરા
-હકિમસબેરા મુસ્તાકભાઇ (ઉ.૬૧), સૈયદપુરા, નાગરવાડા
-અનિલકુમાર પટેલ (ઉ.૨૯), હરણી, સમા
-રાહતબાનુ મોહમ્મદ સાબિર (ઉ.૬૫), વાડી ગામ, મોટી ઓરવાડ
-શિવ જય સિંગ (ઉ.૨૯), હરણી, સમા
-હર્ષ સુનિલ કહાર (ઉ.૧૯), ખોડિયાર માતાનો ખાંચો, રાવપુરા
સુરતથી પાદરાના ચોકારી ગામમાં આવેલા ૩૫ વર્ષના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ ચોકારી ગામમાં પહોંચીને તપાસ હાથ ધરી છે. ચોકારી ગામને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે.
સુરતથી પોતાના વતન ચોકારી ગામમાં આવેલા યુવાનને આરોગ્ય વિભાગે હોમ ક્વોરન્ટીન કર્યો હતો. જોકે આ દરમિયાન તેની તબિયત લથડતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અને રિપોર્ટ કરાવવા માટે દાખલ કરાયો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં આજવા રોડ અંબર કોમ્પ્લેક્સમાં રહેતાં શકીનાબાઇ પતરાવાલા (ઉવ.૭૬)નું આજે મોત થયું હતું. ૨ દિવસથી તાવ આવતો હોવાથી તેમને એસએસજીમાં લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના સ્વેબ કોરોના પોઝિટિવ છે કે કેમ તે ચકાસવા મોકલાયા હતા. જો આ વૃદ્ધાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે.