વડોદરા અને રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, FIR નોંધાઈ
વડોદરા અને રાજકોટ એરપોર્ટને બોમ્બની ધમકી મળી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે વડોદરા અને રાજકોટ એરપોર્ટના અધિકારીઓને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો હતો. એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પરિસરની ઝીણવટભરી તપાસ બાદ ધમકીભર્યો મેલ નકલી હોવાનું જાણવા મળ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે વડોદરાના હરણી એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ને ઈમેલ મળ્યો હતો. આ પછી પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડે શોધખોળ હાથ ધરી હતી.
આ મેઈલ આઈડી પરથી ધમકી મળી
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ધમકીભર્યો મેલ generalshiva76@rediffmail.com ના ID પરથી મોકલવામાં આવ્યો હતો . આ જ ધમકીભર્યો ઈમેલ ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને ભુજ એરપોર્ટ પર પણ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં એરપોર્ટની અંદર બોમ્બના લોકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પોલીસે કહ્યું કે ઈમેલમાં લખ્યું છે કે, ‘મેં તેનો અહંકાર વધારી દીધો છે અને તેને નિરાશ કર્યો છે! હાહાહા! પરિણામ? બેંગ, બેંગ અને બેંગ! બિગ બેંગ!! હોહોહોહોહોહો! કોઈ રોકી શકતું નથી, કોઈ બચી શકતું નથી! રમત શરૂ થઈ ગઈ છે! જય મહાકાલ, જય મા આદિશક્તિ!”