સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આગામી 12 અને 13મી ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી સહિત કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે 14મી ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, ભાવનગર અને સૌરાષ્ટ્ર જિલ્લામાં કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ઉત્તર ભારતમાં શીત લહેરના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડાના કારણે ઠંડી વધી ગઈ છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો, આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 8.8 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર થઈ ગયું છે. અમદાવાદની નજીક ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડીને 10.3 ડિગ્રી પર આવી ગયો છે. આવી જ રીતે રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન ધીમે-ધીમે ગગડી રહ્યું છે.