અમદાવાદના જેતલપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં આવેલ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે, જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટીનું શિક્ષણ મેળવી શકશે. અમિત શાહે જણાવ્યું હતું કે, જેતલપુર ગામમાં દેશની આ 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ થઈ છે. જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેતલપુર ગામ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, જેતલપુર ગામ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે. અહીં અનેકવાર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. આ ગામ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે. આ સંપ્રદાય દ્વારા અત્યારસુધી જગતના કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કર્યાં છે. પરિવારો મજબૂત બને અને ભારતીય સંસ્કૃતિ સુદૃઢ બને તે હેતુથી સત્સંગ સભા યોજવાનું કામ પણ આ સંપ્રદાય કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક જગ્યાએ ગુરુકુળ સ્થાપી શિક્ષણના ક્ષેત્રમાં આપેલું બહુમૂલ્ય યોગદાન અપાયું છે. જેતલપુરને પણ શિક્ષાનું ધામ બનાવ્યું છે ત્યારે અહીં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમ શરૂ કરી આધુનિક શિક્ષણ આપવાની દિશામાં કામ કર્યું છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તે યુનિવર્સિટીને નેશનલ દરજ્જો આપી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવી. દેશમાં ફોરેન્સિક સાયન્સની 9મી કોલેજ જેતલપુર ખાતે શરૂ થઈ છે. આ યુનિવર્સિટી આવનારા દિવસોમાં વટવૃક્ષ સમાન બનશે, જ્યાં રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થશે, જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદામાં આમૂલ પરિવર્તન કરી ઇન્ડિયન પીનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતાની શરૂઆત કરી. નવા કાયદાઓમાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ રોલ હશે, વર્ષ 2025થી દર વર્ષે આશરે 30,000 જેટલા યુવાનો ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી દેશ-વિદેશમાં સેવા પ્રદાન કરશે, જેમાં જેતલપુર ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું પણ મહત્ત્વનું યોગદાન હશે. આ ઇન્સ્ટિટ્યૂટ નવી શિક્ષણનીતિને અનુરૂપ હશે, તેવું પણ અમિત શાહે ઉમેર્યું હતું.જેતલપુર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24માં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) દ્વારા ફોરેન્સિક અને સાયબર સિક્યોરિટી વિષય સબંધિત નવા અભ્યાસક્રમો શરૂ કરવા ખાસ માન્યતા પ્રાપ્ત થઈ છે. જેમાં સાયબર સિક્યોરિટી, ડિજિટલ ફોરેન્સિક, ઇન્ફર્મેશન સિક્યોરિટી જેવા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. મહંત શાસ્ત્રી આત્મપ્રકાશદાસ સ્વામી, મહંત શાસ્ત્રી પુરુષોત્તમપ્રકાશદાસ સ્વામી, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, NFSUના વાઈસ ચાન્સેલર ડો. જે.એમ. વ્યાસ, કોલેજના પ્રિન્સિપાલ, સહકારી અગ્રણી બિપીન પટેલ, રાજકીય આગેવાન હર્ષદગીરી ગોસ્વામી અને મોટી સંખ્યામાં હરિભક્તો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.