ઊંઝા હાઇવે ઉપર ટ્રેલરની ટકકરથી બે યુવકના મોત

ગુજરાત
ગુજરાત

બાઇક પર નોકરીએ જતાં બે યુવકોના મોતથી રહીશોનો ટ્રાફિકજામ
ઊંઝા-મક્તુપુર હાઇવે પર વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત થતાં અરેરાટી મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી હાઇવે ચક્કાજામ કરતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી સ્થાનિકોને સમજાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે, અહીં અંડરબ્રિજ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય કરવામાં નહીં આવતાં અકસ્માતની સંખ્યા વધી રહી છે.

મહેસાણા જીલ્લાના ઊંઝાના મક્તુપુર નજીક વહેલી સવારે ટ્રેલરે બાઇક સવાર બે યુવકને અડફેટે લેતા બંને યુવકોનાં મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દીધા હતા. લોકો રસ્તા પર જ બેસી જતાં ત્રણેક કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે ગામના સરપંચે જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીં અંડરબ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છીએ. અમે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અમારી વાત સાંભળતી નથી. આજના અકસ્માત બાદ અમે ગામ લોકોએ એકઠા થઈને રસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તો ગામ લોકોએ જણાવ્યું હતુ કે, ભવિષ્યમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અહીં અકસ્માત થાય કે ન થાય, અમે આ જ રીતે રસ્તો બંધ કરી દઈશું.

ટિફિન લઇ નોકરી જતાં બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. અકસ્માત બાદ ટિફિટ અને તેમાં રહેલ શાક-રોટલી રોડ પર જ પડેલ જોવા મળ્યું હતું. જોકે ઘટના બાદ ગ્રામજનોએ ચક્કાજામ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે લોકોને સમજાવીને રસ્તા પરથી ખસેડ્યા બાદ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.