વડોદરામાં વિજ થાંભલામાંથી કરંટ લાગતા બે પશુના મોત થયા
વડોદરામાં એક ખુબજ કરુણ ઘટના બની હતી જેમાં વાસણા ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલપંપની ગલીમાં આવેલા થાંભલામાં વિજ કરંટ ઉતરપા બે પશુના મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઇ રાહદારીનો પણ જીવ જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે વિજ કંપની દ્વારા આ મામલે ત્વરીત કાર્યવાહી કરીને કરંટ ઉતરતો બંધ કરાવવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની બેદરકારી દાખવવાની ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે.
આ ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ભેંસની જગ્યાએ કોઇ રાહદારીનો પણ આ ઘટનામાં જીવ જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવી ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે કડક હાથે કાર્યવાહીની લોકમાંગ ઉઠવા પામી છે. શહેરમાં પાલિકા અને વિજ કંપની બંને દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વિજ કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે હવે શંકા ઉઠી રહી છે. અને આ પ્રકારની ઘટનાનું ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રાખીને વધુ કામગીરી હાથ ધરવી જોઇએ, તેવી લોકોચર્ચા પણ થઇ રહી છે.