ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા-બનાસકાંઠામાં ત્રણ દિવસ ભારે વરસાદ આગાહી
કોરોના મહામારી વચ્ચે બે દિવસની રાહત વચ્ચે આજે ફરી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી સામાન્ય વાદળો છવાયેલા દેખાઇ રહ્યા છે. જો કે આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આગાહી કરવામાં આવતા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત મેઘમહેર વરસી રહી છે. રાજ્યનાં મોટા ભાગનાં જળાશયો ઓવર ફલો થઇ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી મોસમનો સરેરાશ 104 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યનાં સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાઇ ગયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 2,19,275 એમસીએફટી પાણીનાં સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિનાં 65.64 ટકા જેટલો થયો છે. રાજ્યનાં 76 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. ઉપરાંત 78 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 20 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 25 થી 50 ટકા વચ્ચે 16 જળાશયો જયારે 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા 15 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી હતી.