ઉત્તર ભારતમાં હિમવર્ષાથી આખું ગુજરાત ઠુઠવાયું, આબુમાં બરફની ચાદર છવાઈ

ગુજરાત
ગુજરાત

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં ઠંડીની લહેર છવાઈ ગઈ છે. તો કચ્છનું નલિયા સૌથી વધુ ઠંડુગાર બની ગયું છે. નલિયામાં ઠંડીનો પારો 2.5 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. જેથી વાહનચાલકોને પણ તકલીફ પડી રહી છે.

ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ શીત પવનના કારણે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. શિયાળાની ગુલાબી સવારની મજા લેવા માટે સવારથી જ અમદાવાદીઓ ગાર્ડનમાં ઉમટી પડે છે. વોક અને એક્સસાઇ કરવા માટે ગાર્ડનમાં લોકોની ભીડ નજરે ચઢે છે. ઠંડીનું જોર વધતા લોકો વ્યાયામ તરફ વળ્યા છે. તો સાથે ઉકાળા, ગરમ સૂપ સહિતનું વેચાણ પણ વધ્યું છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં કાતિલ ઠંડી પડી શકે છે.

નલિયા 2.5 ડિગ્રી, ડીસામાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, અમરેલી-ભૂજમાં 10.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, કેશોદમાં 10.4 ડિગ્રી, ભાવનગર-દ્વારકામાં 13.5, પોરબંદરમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5, મહુવામાં 12.9, વલસાડમાં 13.8 ડિગ્રી .

બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડીમાં ઠુઠવાયુ છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 2.5 ડિગ્રી પહોંચ્યું છે. તાપમાન માઇનસ 2.5 ડીગ્રીએ જતાં ઘાસના મેદાનો, નક્કી લેક ઉપરની બોટો અને પક્ષીઓ માટે રાખેલા પાણીના વાસણોમાં બરફની ચાદર જામી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતાં પ્રવાસીઓ ઠંડીથી ઠૂઠવાયા છે. જોકે માઇનસ 2.5 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ ઠંડી અને અલ્હાદક વાતાવરણની મજા માણી રહ્યાં છે.

પહાડી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે. ગાઢ ધુમ્મસથી નર્મદામાં મિની કાશ્મીર જેવો નજારો છવાયો છે. રાજપીપળામાં સર્વત્ર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોર્નિંગ વૉકમાં ધુમ્મસની મજા માણી રહેલા લોકોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.