રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, રાત્રે ઠંડીનો ચમકારો, બપોરે ગરમી
આગામી દિવસોમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. એટલે કે રાત્રી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં હાલમાં 37 ડીગ્રીની આસપાસ તાપમાન દિવસે રહેવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં બપોરનુ તાપમાન 38 ડીગ્રીની આસપાસ રહેશે.
આમ હવે રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધવાની શરુઆત થઈ ચુકી છે અને હવે ઠંડીનો ચમકારો થોડો વધારે જોવા મળશે. હાલમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આ પ્રકારનુ વાતાવરણ હજુ પણ અનુભવાઈ શકે છે. બેવડી ઋતુને લઈ રાજ્યમાં બિમારીનુ પ્રમાણ વધેલુ જોવા મળી રહ્યુ છે. હાલમાં છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ફિવરની અસર પણ જોવા મળી રહી છે.