અમરેલીની રેસ્ક્યૂ ટીમે ભાઇ-બહેન અને ભાભીનો મૃતદેહ બહાર કાઢ્યો
અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કૂવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય મૃતદેહ ભાઇ-બહેન અને ભાભીના છે.લાલાવદર ગામની સીમમાં આવેલી અલ્પેશભાઇની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેત મજૂરી કરતો હતો. જેમણે બે દિવસ અગાઉ કૂવામાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમણે કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયા કારણોસર કરી છે એની તપાસ હાલમાં ચાલી રહી છે.