પટેલ દંપતીને જમવામાં નોનવેજ અપાયું હતું
અમદાવાદ, ગમે તેમ કરીને US-કેનેડા પહોંચવા માટે તલપાપડ થઈ રહેલા લોકોએ પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલ સાથે જે થયું તે જાણી લેવું જોઈએ. અમદાવાદના પટેલ કપલે ૧.૧૫ કરોડમાં ગાંધીનગરના એજન્ટ સાથે ડીલ કર્યા બાદ હૈદરાબાદ થઈને ઈરાનની રાજધાની તહેરાન થઈને મેક્સિકો પહોંચવાનું હતું. મેક્સિકોથી તેમને ગેરકાયેદસર રીતે સરહદ પાર કરાવવાની વાત થયેલી હતી. પરંતુ જ્યારે તેઓ તહેરાન પહોંચ્યા ત્યારે જીવ હથેળીમાં આવી ગયો હતો. પોતાની સાથે બનેલી ઘટના અંગે નિશા પટેલે મીડિયા સાથે વાત કરી ત્યારે તેમણે વિદેશ જવા માગતા લોકોને સલાહ આપીને જણાવ્યું હતું કે એજન્ટ વિશ્વાસુ હોય તે જરુરી છે.
જે એજન્ટ કાયદેસર રીતે (વિદેશ) લઈ જાય તેમનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે તેમને ગોંધી રાખ્યા તે દરમિયાન તેમની જમવાની વ્યવસ્થા કેવી હતી અને તેમને કેવી યાતનાઓ ભોગવવી પડતી હતી તેનો પણ ખુલાસો થયો છે. ૧૨મી જૂને હૈદરાબાદથી ઈરાનના તહેરાન પહોંચ્યા બાદ તેમને હોટલમાં રોકાણ કરવાનું હતું પરંતુ ત્યાંના એજન્ટ દ્વારા તેમને હોટલમાં નહીં રોકાવાની સલાહ આપીને ફાર્મ હાઉસ જેવી નિર્જન જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પોતાના ભાગના રૂપિયા લેવા માટે એજન્ટોએ પંકજ અને નિશા પટેલ સહિત જે ૮ લોકો હતા તેમને ફાર્મ હાઉસમાં બનેલા સ્વિમિંગ પૂલમાં ફરવાનો આદેશ આપીને વીડિયો ઉતાર્યો હતો.
આ વીડિયો એ રીતે ઉતારવામાં આવ્યો હતો કે જાણે તમામ લોકો મેક્સિકો પહોંચી ગયા હોય, આ પછી જેમની પાસેથી રૂપિયા મંગાવવાના હોય તેમને જાણ કરવામાં આવી હતી. અમદાવાદના પંકજ અને નિશા સાથે પણ આવું જ થયું હતું અને રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જોકે, રૂપિયા ન મળ્યા પછી પંકજ પટેલ પર અત્યાચાર ગુજારવાના શરુ કરવામાં આવ્યા હતા. ફાર્મ હાઉસ પર એજન્ટના ૧૦-૧૨ જેટલા લોકો હતા અને તેમાંથી કોઈ પણ આવીને ત્યાં બંધક બનાવેલા લોકો પર અત્યાચાર ગુજારતા હતા. આ દરમિયાન તેઓ શરુઆતમાં લાફા મારવાની સાથે ગડદાપાટુંનો માર મારતા હતા.
આ પછી રૂપિયા ના મળતા ટોર્ચરિંગ વધ્યું હતું. સિગરેટના ડામ આપવાની અને ધોલ-ધપાટ કરવાની ઘટનાઓ વધવાની સાથે બ્લેડ લઈને બંધક બનાવેલા લોકોના શરીર પર ચીરા પાડીને અત્યાચાર ગુજારવાનું શરુ કરવામાં આવ્યું હતું. નિશા પટેલ અને તેમના પતિ શાકાહારી હતા અને ત્યાં બંધક બનાવેલા લોકોને નોનવેજ ખાવાનું આપવામાં આવતું હતું. જોકે, તેઓ નોનવેજ ના ખાતા હોવાનું જણાવ્યું તો તેમને કોરો ભાત ખાવા માટે મળતો હતો. આ ભાત પણ તેમને ૨-૩ દિવસમાં એકવાર જ મળતો હતો. બાકીના જે લોકો નોનવેજ ખાતા હતા તેમને માંસ-મટન જમવામાં આપવામાં આવતું હતું. નિશા પટેલે તહેરાનથી પરત ફર્યા બાદ આપવિતિ જણાવી તેમાં તેમણે કહ્યું કે, તેમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા અને જેમની પાસે તેમના હિસ્સાના રૂપિયા હોય તે ટ્રાન્સફર કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક સમયે તો તેમને એવું પણ લાગતું હતું કે તેઓ અહીંથી બહાર નહીં નીકળી શકે
પરંતુ જ્યારે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી તે બાદ તેમને ટેક્સિમાં એરપોર્ટ પર છોડવામાં આવ્યા હતા. ૧૨ તારીખે તેમને બંધક બનાવ્યા બાદ ૨૦મી જૂનને સ્થાનિક સમય પ્રમાણે રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે પરિવારનો સંપર્ક કર્યો હતો અને ટિકિટ કરાવીને તહેરાનથી પરત અમદાવાદ પહોંચી શકયા હતા. હવે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માગે છે તેમણે આ નિશા પટેલ તથા તેમના પતિને થયેલા અનુભવો યાદ રાખવા જોઈએ.
જોકે, આ પહેલા પણ કેનેડાથી અમેરિકા જતા બોટ પલ્ટી જવાની અને ડિંગુચાનો પરિવાર બરફમાં થીજી જવાની ઘટનાઓ બની છે. આવામાં જીવનું મોટું જોખમ ઉભું કરીને વિદેશની ધરતી પર જવાનું પગલું ભરનારા લોકોએ સાવધાન રહેવાની જરુરી છે. નિશા પટેલે પણ પરત આવીને આ અંગે લોકોને સલાહ આપીને એજન્ટ પસંદ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની અને કાયદેસર રીતે વિદેશ લઈ જાય તેવા એજન્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.