રાજકોટમાં ભાનુ બાબરીયા સમક્ષ પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા
રાજકોટનાં સર્કિટ હાઉસ ખાતે મંત્રી ભાનુ બાબરીયાની અધ્યક્ષતામાં ફરિયાદ સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી, લોધિકા અને રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના અને રાજકોટના પદાધિકારીઓએ સૌની યોજના માટે પાઇપ લાઇનની વ્યવસ્થા સહિતનાં મુદ્દે રજૂઆત કરીને પોતાના વિસ્તારોને લાગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. મંત્રી બાબરીયાએ તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકમાં કલેક્ટર પ્રભવ જોશી, મ્યુ.કમિશનર આનંદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણા રંગાણી, મેયર નયના પેઢડિયા સહિતના અધિકારી-પદાધિકારીઓ હાજર રહ્યા હતા.આજની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ખાસ સૌની યોજના માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરાવવા, વાસ્મો યોજના, સિંચાઇ માટે નવા ડેમો બનાવવા તથા ડેમ રિપેરિંગ અને કરાવવા, ઔદ્યોગિક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા તેમજ મેડોડા જીઆઈડીસી વિસ્તારમાં ઘન કચરા નિકાલની વ્યવસ્થા માટે ટીપરવાન ફાળવવા સહિતના મુદ્દે પદાધિકારીઓએ રજૂઆત કરી હતી.આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જુદા-જુદા તાલુકાના ગામોના અને શહેરના વિવિધ વિસ્તારોમાં થતા દબાણ દૂર કરવા તેમજ સ્ટ્રીટ લાઈટ, વીજળી, ગામોને જોડતા પુલો, રોડની મરામત કરાવવા સહિત વિવિધ યોજનાઓ અને સેવાઓની રજૂઆત કરવામાં આવી હતી. મંત્રી ભાનુ બાબરીયાએ આ તમામ પ્રશ્નો અંગે કલેક્ટર અને મ્યુ. કમિશનર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુ બાબરીયા રાજકોટની મુલાકાતે છે. ત્યારે આજે તેમના હસ્તે તેમના મત વિસ્તાર એવા વોર્ડ નંબર 11માં રૂ.287 લાખના વિકાસ કામોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મવડી નજીક રૂપિયા રૂ.99 લાખના ખર્ચે જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રિંગરોડ તરફના માર્ગનું રી-કાર્પેટિંગના કામ, ઉપરાંત સ્પીડવેલ ચોક રૂ.82.49 લાખના ખર્ચે ડેવલોપ કરવાના કામનો સમાવેશ થાય છે. તેમજ ટીપી સ્કીમ નં.27નાં અનામત પ્લોટમાં રૂ.75.74 લાખના ખર્ચે ચાપણીયાની દિવાલ કરવાનાં કામનું તથા અંતિમ ખંડ નં.71 એમાં રૂ.31.23 લાખના ખર્ચે કમ્પાઉન્ડ તથા સ્ટોરરૂમ બનાવવાનું કામ પણ કરવામાં આવશે.મહત્વનું છે કે, વોર્ડ નં.11માં જેટકો ચોકડીથી પાટીદાર ચોક નવા રિંગરોડ તરફના 9મી.ના 1.2 કિ.મી. રસ્તા પર ડામર રી-કાર્પેટ થવાથી વાહન વ્યવહાર કરતા અંદાજે 25 હજાર લોકોને ફાયદો થશે. જ્યારે સ્પીડવેલ ચોક ડેવલપ થવાથી અંબિકા ટાઉનશીપના આશરે 50 હજાર લોકોને ફાયદો થશે. જ્યારે ટીપી સ્કીમ નં.27 અનામત પ્લોટમાં ચાપણીયાની દિવાલ થવાથી ગેરકાયદે દબાણ થશે નહીં. તેમજ અંતિમ ખંડ નં.71-Aમાં કમ્પાઉન્ડ તથા સ્ટોર રૂમ બનવાથી દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત થયેલો માલ-સામાન રાખવામાં સગવડતા થશે.