સીએના વિદ્યાર્થીઓ માટે નવો કોર્સ 1 જુલાઈએ લોન્ચ કરાશે, વડોદરામાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં જાહેરાત
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની વડોદરા બ્રાન્ચ દ્વારા શહેરમાં સીએ માટે બે દિવસની નેશનલ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આજે કોન્ફરન્સના ઉદઘાટન સત્રમાં હાજર રહેલા આઈસીએઆઈના પ્રમુખ અનિકેત તલાટીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, તા.1 જુલાઈએ સીએ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સીએનો નવો કોર્સ લોન્ચ કરવામાં આવશે. સીએના નવા અ્ને હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ લાગુ થશે. વર્તમાન વિદ્યાર્થીઓને તેનાથી કોઈ નુકસાન નહીં જાય.
તેમણે કહ્યુ હતુ કે, નવા કોર્સમાં ઈન્ટર અને ફાઈનલમાં દરેક ગ્રુપમાં 3-3 વિષય રહેશે. બીજા ચાર વિષય વિદ્યાર્થીઓ ઈન્ટર અને ફાઈનલ વચ્ચે ભણશે અને આ ચારે કોર્સ ઓનલાઈન હશે. વિદ્યાર્થીઓ તેનો ઓનલાઈન અભ્યાસ કરશે અને તેની પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવશે. આ ચાર વિષય પૈકી બે ફરજિયાત હશે અને બાકીના બે વિષય માટે વિદ્યાર્થીઓને સંખ્યાબંધ વિકલ્પ આપવામાં આવશે. જેમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે ફિલોસોફી, સાયકોલોજી જેવા વિષયો પણ સમાવાયા છે. આ સિવાય વિદ્યાર્થીઓ કોન્સ્ટિટ્યુશનલ લો, એમએસએમઈ, ફોરેન્સિક ઓડિટ, કેપિટલ માર્કેટ, ટ્રેઝરી મેનેજમેન્ટ જેવા વિષયો પણ પસંદ કરી શકશે. સાથે સાથે વિદ્યાર્થીઓની આર્ટિકલશિપનો સમય પણ ત્રણ વર્ષથી ઘટાડીને બે વર્ષનો કરવામાં આવ્યો છે. સીએ ફાઉન્ડેશનમાં પહેલાની જેમ ચાર પેપર જ રખાયા છે પણ તેમાં ઘણા ફેરફાર કરાયા છે.
તેમણે કહ્યુ હતુ કે, નવા કોર્સમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તે અન્ય દેશોને પણ ધ્યાનમાં રાખીને કરાયા છે. અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ હવે તેમના જ દેશમાં સીએનો અભ્યાસ કરી શકશે. આમ સીએના કોર્સનુ આંતરરાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યુ છે.
એક પ્રશ્નના જવાબમાં અનિકેત તલાટીએ કહ્યુ હતુ કે, ભારતનો વિકાસ દર વધી રહ્યો છે અને તેના કારણે સીએની માંગ પણ વધી રહી છે. દર વર્ષે 25000 થી 30000 વિદ્યાર્થીઓ સીએની ડિગ્રી મેળવે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે તો જેટલા વિદ્યાર્થીઓ સીએની ડિગ્રી મેળવી રહ્યા છે તેના કરતા તેમની ડિમાન્ડ વધારે છે.
તેમણે કહ્યુ હતુ કે, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ એજ્યુકેશન સમિટનુ પણ આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય આશય બીકોમ અને એમકોમ જેવા અભ્યાસક્રમો ભણાવતી કોલેજો તથા યુનિવર્સિટીઓને કોમર્સના અભ્યાસક્રમમાં કયા પ્રકારના ફેરફાર કરવા જોઈએ તેની જાણકારી આપવાનો હોય છે.