![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/નર્મદા-ડેમ-સર્વોચ્ચ-સપાટી.jpg)
નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે છલોછલ ભરાયો, આજે ડેમનાં વધામણાં કરીને ગુજરાતે PMને જન્મદિવસની ભેટ આપી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલોછલ ભરાઈ ગયો છે. આજે 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ આરતી અને પૂજન કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતાં અને મોદીને જન્મદિવસની ભેટ આપી હતી. આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખુબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.