કચ્છની પ્રાચીન કળા રોગાન કળા દ્વારા રામમંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિનું નિર્માણ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમગ્ર દેશમાં રામભકતો અલગ અલગ પ્રકારે આ અવસર માટેની તૈયારીઓ કરી રહ્યા છે. કચ્છની પ્રાચીન કળા રોગાન કળા દ્વારા રામમંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજના માધાપરના આશિષભાઇ કંસારાએ રોગાન કળાથી તૈયાર કરેલ આ કૃતિ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. આ કૃતિમાં રામ મંદિરનું જે સ્થાપત્ય છે તે દર્શાવવામાં આવ્યું છે. આશિષભાઇ કંસારાએ માત્ર 3 દિવસના સમયમાં રોગાન કળાથી રામ દરબારની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે.
શું છે રોગાન કળા? : રોગાન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે. કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય છે, ત્યારે આશિષભાઈએ માત્ર 3 દિવસના સમયમાં જ 2 × 1.5 ફૂટના કાપડ પર આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે.
રોગાન કળામાં ખૂબ બારીકાઈથી કામ કરવામાં આવે છે. જૂના સમયમાં રોગાન કળા કર્યા પછી અબરખ છાંટવામાં આવતું હતું. આ કૃતિ તૈયાર કર્યા પછી ગોલ્ડન જરીનું કામ કરવામાં આવ્યું છે. રોગાનની કૃતિ બનાવ્યા બાદ તેના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવે છે, જે કૃતિને એક ચમક આપે છે જે અનેક વર્ષો સુધી અકબંધ રહે છે.