સુરતના યુવકની કોસંબા પાસેથી કોહવાયેલી હાલતમાં ખાડામાંથી લાશ મળી
સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી તારીખ 19મીએ ગુમ થયેલા 26 વર્ષના યુવકની લાશ કોસંબા ખાતે ખાડામાંથી ડી કમ્પોઝ હાલતમાં મળી આવી હતી. પરિવારે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે જોબનજિતસિંહને તેના સુપરવાઇઝર સહિત ત્રણ લોકોએ માર માર્યો હોવાની પણ આશંકા છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાતો લાલ સ્વેટર પહેરેલી વ્યક્તિ સાલ ઓઢેલી વ્યક્તિ પાછળ દંડો લઈને જાય છે. કોસંબા પોલીસે હત્યાની આશંકાએ સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરી છે.સુરત જિલ્લાના કોસંબાથી સાવા તરફ જતા રોડ પર એક ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. તેજસ્વી સંસ્કાર વિદ્યાલયની સામે ખાડામાં યુવકની લાશ મળી હોવાની જાણ કોસંબા પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જઈને જોતાં લાશની ઉપર તેનાં માત્ર કપડાં દેખાતાં હતાં. કોસંબા પોલીસે ડી કમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ પંજાબનો યુવક સિક્યોરિટીનું કામ કરતો હતો. ગઈ તારીખ 19મીના રોજ જોબનજિતસિંહ નામનો 26 વર્ષનો યુવાન ગુમ થયો હતો. એ બાબતે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થઈ હતી. એ અંગે કોસંબા પોલીસે ઈચ્છપોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. હાલ તો હત્યાની આશંકાએ સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવા માટે તજવીજ હાથ ધરી છે.રવીન્દ્રસિંહ (મૃતકના બનેવી)એ જણાવ્યું હતું કે 19 તારીખ બાદ સંપર્ક ન થવાના કારણે ફેમિલી ટેન્શનમાં આવી ગયું હતું અને સુરત દોડી આવ્યું હતું. ત્યાર બાદ કોસંબામાંથી બોડી મળી આવી હતી. જોબનજિતસિંહને તેના સુપરવાઇઝર સહિત ત્રણ લોકોએ માર માર્યો હોવાની આશંકા છે. તેમણે જે જગ્યા પર જોબનજિતસિંહને બાઈક પર છોડ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે એ એરિયામાં જ મૃતદેહ મળ્યો છે, જેથી અમને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે અને ન્યાય અપાવવાની અપીલ કરીએ છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોસંબાના શીતલ હોટલ પાછળ સિક્યોરિટી માટે રૂમ આપવામાં આવી છે. ત્યાં પણ જોબનજિતસિંહ સીસીટીવીમાં કેદ થયો છે, માર પણ મારવામાં આવ્યો હોવાની શક્યતા છે. ત્યાર બાદ ત્યાંથી બહાર નીકળતાં પણ મારવામાં આવતો હોવાની શક્યતા છે.