સુરત : પોઝિટિવ કેસનો આંકડો ૮૮૯ પર પહોંચ્યો, મત્યુઆંક ૩૮ અને ૪૬૮ રિકવર થયા
રખેવાળ, સુરત.
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૮૮૯ થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૬૮ વ્યક્તિ કોરોનાને માત આપી સાજા થયા છે. જ્યારે મૃત્યુઆંક ૩૮ પર પહોંચ્યો છે.
નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં નાનાવરાછામાં કોરોના પોઝિટિવ માતાની સારવાર માટે ખડેપગે હાજર રહેનાર એડવોકેટ અને નવસારી કૃષી યુનિવર્સીટીમાં નોકરી કરતા તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે પાલિકાના વરાછા હેલ્થ સેન્ટરની લેબ ટેક્નિશયનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉધના પંચશીલ નગર કોમ્યુનીટી સ્પ્રેડીંગમાં એક જ દિવસમાં ૪ કેસ સામે આવ્યા છે. તેવી જ રીતે ગોપીપુરામાં જગ્ગુ વલ્લભની પોળમાં એક જ પરિવારના ૩ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શનિવારે શહેર જિલ્લામાંથી કોરોનાને માત આપી સાજા થયેલા શહેરના ૪૫ અને જિલ્લાના ૫ મળી કુલ ૫૦ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં ડભોલી ભ્રમલોક સોસાયટી ખાતે રહેતા ગોટી પરિવારના ૧૪ મહિનાના પુત્ર જ્યોત તેમજ જિલ્લાના ઉમરપાડાના ખોડઆંબા ગામના વસાવા પરિવારના બે બાળકો વૈદિક સુરેશ વસાવા(૪) અને કૃષાંગ સુરેશભાઈ વસાવા(૭) તેમજ ઓલપાડના સાંધિયેરના કંથારીયા પરિવારની ૩ વર્ષીય પુત્રી ધારવી કોરોનાને માત આપી ઘરે પહોંચતા આ બાળકોનું ગામના રહીશોએ સ્વાગત કર્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૨૭૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓ પૈકી ૨૨ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ૩ દર્દીઓ વેન્ટીલેટર પર, ૮ દર્દીઓ બાઈપેપ પર અને ૧૧ દર્દીઓ ઓક્સિજન પર કોરોના સામે જંગ લડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.