સુરત : લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે છૂટછાટ આપવાનું નક્કિ કર્યું છે, શ્રમિકોને રાહત
રખેવાળ, સુરત.
લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે છૂટછાટ આપવાનું નક્કિ કર્યું છે. રાજ્ય સરકારે તે માટે સંકેતો અગાઉથી જ આપ્યા છે. જેથી સુરતના અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિવિગના ૨૦ એકમો આજે શરૂ થયાં છે. એકમો શરૂ કરવા માટે કારખાનેદારોએ બે દિવસ પહેલાં કલેકટરને રજૂઆત કરીને બાંહેધરી આપી છે.અંજની અને તેની આસપાસ સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તાર સાથે પરપ્રાંતીય કારીગર વર્ગ મોટી સંખ્યામાં જોડાયેલા છે. જેઓ પોતાના વતન જઈ શક્યાં નથી, તેઓને અત્યારે રોજગારી મળી રહે તે માટે વિવિગના એકમો શરૂ કરવામાં આવ્યાં છે
વિવિગના એકમો અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યા છે કે, કારીગરોને કામ મળે. ઉપરાંત છેલ્લાં બે મહિનાથી મશીનો બંધ હોઇ, ચાલુ કરવાથી સાફ સફાઈ પણ થઈ રહે અને ગતિ પકડે. અત્યારે જેટલા કારીગરો છે તેને સાથે રાખીને એકમો ચાલુ કરાયા છે. અંજની ઈન્ડસ્ટ્રીયલ વિવિંગના વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, શ્રમિકો અને ખાસ કરીને પરપ્રાંતિયોની ઉદ્યોગ ધંધા બંધ રહેતા સ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી આ નિર્ણય તેમને રાહત આપનારો છે. આગામી સમયમાં સરકાર દ્વારા છૂટ મળતા માર્કેટ શરૂ થશે તો ફરી ઉદ્યોગ ધંધા સારી રીતે ધમધમતા થશે અને લાખો લોકોને રોજી રોટી આપતા શહેરમાંથી કોઈને ક્યાંય જવું નહી પડે.