ધ્રાંગધ્રાના ચૂલી ગામમાં બે લોકો વચ્ચે બોલાચાલી બાદ બંને જૂથના લોકો વચ્ચે પથ્થરમારો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામમાં આજે બે લોકો વચ્ચે ઝાડ કાપવા મુદ્દે બોલાચાલી થયા બાદ બંને લોકોના સમાજના લોકો પણ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા 24 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 25 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. ગામમાં ફરી સ્થિતિ તંગ ન બને તે માટે ખુદ જિલ્લા પોલીસ વડા ગામમાં પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામમાં રહેતા બે લોકો વચ્ચે લીમડો અને બાવળ કાપવા મુદ્દે માથાકૂટ થઈ હતી. થોડીવાર બાદ આ બંને લોકોના પરિવારના અને સમાજના લોકો સામસામે આવી જતા પથ્થરમારો અને મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષના મળી કુલ 24 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જૂથ અથડામણની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ચૂલી ગામમાં પહોંચ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા બંને પક્ષના 25 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે અને વિધિવત ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.