પાંચ હત્યા કરનારો સિરિયલ કિલર 11 વર્ષે ઝડપાયો, ટ્રેક્ટર ચાલકોની હાથ-પગ બાંધી પાણીમાં નાંખી હત્યા કરતો.
ગુજરાત ATSએ મોજશોખ પુરા કરવા માટે લૂંટ અને હત્યા કરનાર સિરિયલ કિલર અસ્લમ ઉર્ફે અમન શેખની ધરપકડ કરી છે. 11 વર્ષ પહેલાં લૂંટ વીથ મર્ડરના ગુના આચર્યા બાદ આજે ઝડપાયો છે. મૂળ બાલાસિનોરનો વતની અસ્લમ ઉર્ફે અમન શેખ છેલ્લા 11 વર્ષથી સુરતમા છુપાઈને રહેતો હતો. આરોપી અને તેના 5 સાગરિતોએ મળી વર્ષ 2008 થી 2011 ના સમયગાળામાં 5 હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો. ખાસ કરીને સિરિયલ કિલર અસ્લમ અને તેના સાગરિતો ટ્રેક્ટર ચાલકોને નિશાન બનાવતા અને હાથ પગ બાંધી જીવતા પાણીમાં નાખી હત્યા કરતા હતા.
આરોપી અસ્લમ અને તેની ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે વાત કરીએ તો આરોપીઓ ટ્રેકટર લઈને જતા લોકોને ટાર્ગેટ કરતા અને લૂંટ ચલાવતા હતા. આ ઉપરાંત ડ્રાઈવરના હાથ પગ બાંધી જીવતા પાણીમાં નાખી હત્યા કરતા હતા. આ ગેંગે 10 ટ્રેકટર, 12 ટ્રોલી અને એક બાઈકની લૂંટ કરી હતી. અસ્લમ શેખની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેના પિતા કરીમભાઈ શેખ બાલાસિનોર પાસે એક પેટ્રોલ પમ્પ અને ટ્રેક્ટરની એજન્સી ધરાવતા હતા. પરંતુ મિત્રોના રવાડે ચડેલા અસ્લમે કોઠંબા, દેહગામ, મોડાસા અને છોટાઉદેપુર ખાતે હત્યા અને લૂંટને જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત ગુનાની દુનિયા છોડ્યા બાદ અસ્લમ હિન્દુ બનીને લાલાભાઈ કમલેશ પટેલના નામથી 11 વર્ષથી સુરતના વેસુમાં છુપાઈને રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.
આરોપી અસ્લમે હોસ્પિટલમાં નોકરી દરમિયાન એક હિન્દુ યુવતી સાથે લગ્ન પણ કર્યા અને 3 બાળકોનો પિતા પણ બની ગયો છે. અસ્લમ વર્ષ 2011માં છેલ્લી હત્યા અને લૂંટ ચલાવી પહેલા અજમેર, ગોવા અને બાદમા સુરતમાં છુપાયો હતો. જ્યારે અસ્લમ સિવાય આ ગુનામાં તેની સાથે સંડોવાયેલા અન્ય તમામ આરોપી અગાઉ પકડાઈ ગયા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આરોપીએ બોગસ દસ્તાવેજો કોની પાસે અને ક્યાંથી બનાવ્યા હતા.