કોટ વિસ્તારમાં હેરીટેજના નામે રોડલાઈનનો અમલ નહીં જ કરાય કોટ વિસ્તારના રહીશોએ વિકાસને ભૂલી જવાનો

ગુજરાત
ગુજરાત

સ્માર્ટસીટી અમદાવાદના અન્ય વિસ્તારમાં રહેતા લોકોને તેમના રહેણાંક વિસ્તારમાં ભલે પહોળા રસ્તા સહિતની અન્ય પ્રાથમિક સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરી પાડવામાં આવી રહી હોય પરંતુ શહેરના કોટ વિસ્તારમા રહેતા લોકોએ તેમના વિસ્તારમા આવેલા રોડ પહોળા થશે કે વાહન પાર્ક કરવાની વ્યવસ્થા મળશે એ બાબત હવે હંમેશ માટે ભૂલી જવી પડશે.ભલે કોટ વિસ્તારના સાંકડા રસ્તા ઉપરથી એમબ્યુલન્સ પહોંચી શકતી ના હોય.ભલે સવારથી લઈ મોડી રાત સુધી ટેમ્પા જેવા માલવાહક વાહનોની અવરજવરથી ટ્રાફિક સતત ચકકાજામ રહેતો હોય પરંતુ આવનારા વર્ષોમા પણ કોટ વિસ્તારના રોડ પહોળા નહીં થઈ શકે.સરકાર તરફથી કરવામા આવેલા એક પરિપત્રે જ મ્યુનિસિપલ તંત્રના હાથ આ મામલે બાંધી દીધા છે.જો આ જ પરિસ્થિતિ યથાવત રહેશે તો કોટ વિસ્તારની પોળો સંપૂર્ણપણે કોમર્શિયલ એકમોમાં ફેરવાઈ જશે એ દિવસો હવે દુર નથી.
અમદાવાદના કોટ વિસ્તારમા આવેલા અનેક રસ્તા પહોળા કરવા અંગે ઘણા વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યુ છે.કેટલાક રસ્તા પહોળા કરવા અને રોડલાઈનનો અમલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે રોડની કપાતમા જતી મિલકતોનુ ડીમાર્કેશન પણ કરવામા આવેલુ છે.આમ છતાં આવનારા વર્ષોમા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કોટ વિસ્તારમા રોડ પહોળા કરવા રોડલાઈનનો અમલ કરી નહીં શકે.આ અંગેનો ઘટસ્ફોટ માહિતી અધિકાર એકટ-૨૦૦૫ હેઠળ અરજદાર પંકજ પી ભટ્ટ દ્વારા માંગવામા આવેલી માહિતીમા થવા પામ્યો છે.
વર્ષ-૨૦૧૭ના જુલાઈ મહિનામા યૂનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજજો આપવામા આવ્યા બાદ રાજયના શહેરી વિકાસ અને ગૃહ વિભાગ તરફથી એ સમયના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ૨૨ ઓકટોબર-૨૦૧૮ના રોજ એક પત્ર દ્વારા જાણ કરવામા આવી હતી કે,અમદાવાદના જુના કોટ વિસ્તારમા કોમ્પ્રિહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ૨૦૧૭ની જોગવાઈનો અમલ કરવાનો રહેશે.જી.ડી.સી.આર.-૨૦૧૭ના રેગ્યુલેશન ૮.૧૭ મુજબ, અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કરવામા આવેલુ હોવાથી રીપેરીંગ કે રીસ્ટોરેશનમાં પ્રથા અનુસાર બાંહેધરી લઈ અલગ અલગ પહોળાઈના રસ્તાના તમામ કીસ્સામાં સુચિત રોડલાઈનનુ હાલ અમલીકરણ કરવુ નહીં.ઉપરાંત હેરીટેજ સીટી કન્ઝર્વેશન પ્લાન તાત્કાલિક તૈયાર કરવો.આમ આ પરિપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યા બાદ કોટ વિસ્તારમા રોડલાઈનનો અમલ કરવા ઉપર તંત્રે પૂર્ણ વિરામ મુકી દીધુ છે.જયાં સુધી અમદાવાદ પાસે વૈશ્વિક હેરીટેજ સીટીનો દરજજો છે ત્યાં સુધી કોટ વિસ્તારના સાંકડા રોડ પહોળા થવાની કોઈ સંભાવના નથી એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.