ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૧૧ નવેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧ નવેમ્બરથી જ શરુ કરાશે ગુજરાતના ખેડૂતો પાસેથી કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે સૌથી વધુ કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Tags Extended Registration