આગામી 10થી 13 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અત્યાર સુધીમાં 121 ટકા વરસાદ નોંધાયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે. માત્ર ગણતરીના વિસ્તારોમાં જ મેઘ મહેર જોવા મળી હતી. પરંતુ હવે હવામાન વિભાગે આગામી 10થી 13 તારીખમાં રાજ્યમાં ફરી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આગામી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 10મી સપ્ટેમ્બરથી 4 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં વરસાદે લાંબો વિરામ લેતા લોકો ઉકળાટથી પરેશાન થયા છે ત્યારે હવે ફરી શહેરમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. અમદાવાદની સાથે ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનની આગાહી અનુસાર, 10મી સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમા સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે 11 સપ્ટેમ્બરે દમણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, ભાવનગર, અમરેલી, બોટાદ અને દીવ સહિતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 12 અને 13 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ,મહીસાગર, ભાવનગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.