કૃષિ બિલના વિરોધમાં કોરોના ભુલાયો, પોલીસ અને કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોના મહામારી વધી રહી છે. લોકલ સંક્રમણમાં વધારો થતાં દરરોજ કેસોની તેમજ મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા કેન્દ્રના આ બિલને કૃષિવિરોધી બિલ ગણાવી ગાંધીનગર ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ તેમજ પોલીસનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. મંજૂરી વગર વિરોધપ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેને પગલે એક સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

સામાન્ય રીતે સરકાર તેમજ પોલીસતંત્ર લોકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાની અપીલો કરતા હોય છે તેમજ કેટલાક વિસ્તારોમાં તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમનો ભંગ થતાં મોલ તેમજ દુકાનો સીલ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારે નેતાઓ તેમજ પોલીસ દ્વારા જ જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સરકારે ST બસમાં ઓછા મુસાફરો બેસાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા આજે બસમાં ખીચોખીચ કોંગી નેતાઓને ઘેટાં-બકરાની જેમ પૂરી લઈ જવામાં આવ્યા હતા.

આ વિરોધપ્રદર્શનમાં કેટલાક કાર્યકરો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા, ત્યારે તેમને રોકતા પોલીસકર્મીઓ પણ બેદરકારીપૂર્વક જાહેર રોડ પર ભીડ જમાવીને એકઠા થયા હતા. ત્યારે જોવાનું એ છે કે સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે લોકો પાસેથી દંડ વસૂલતા પોલીસ જ જો આ રીતે નિયમનો ભંગ કરે તો શું તેમની સામે કાર્યવાહી થશે કે કેમ? આ પ્રકારના સવાલો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ત્યારે બીજો ડર એ પણ છે કે આજે ભેગી થયેલી આ ભીડમાં કોઈ એકને પણ કોરોનાની અસર હશે તો લોકલ સંક્રમણનું પ્રમાણ પણ હાલ કરતાં ડબલ થઈ શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.