સૌરાષ્ટ્ર : રાજકોટમાં 49 કેસ, 8ના મોત, જામનગરમાં એકસાથે 24 કેસ નોંધાયા
રાજકોટમાં ગઈકાલે બુધવારને સાંજના પાંચ વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં વધુ 49 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ આંક 1548 પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનાથી પોઝિટિવ આંકની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ સિટીના 2 , કાલાવડના 1, જસદણના 1 અને ગોંડલના 1 વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2200ને પાર પહોંચી ગઈ છે. જામનગરમાં આજે વધુ 24 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે.
રાજકોટ કોરોના લેબમાં ગઈકાલે 661 સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું. તેમાંથી 90 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેમાંથી 60 રાજકોટ શહેર અને 20 વ્યક્તિ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના છે. જ્યારે 10 અન્ય જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે. 50 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમાં રાજકોટ સિટીના 25 અને ગ્રામ્યના 22 વ્યક્તિ છે. આમ શહેર અને જિલ્લાના કુલ કેસની સંખ્યા 2200ને પાર એટલે કે 2268 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 321 અને ખાનગીમાં 218 દર્દી સારવાર હેઠળ, 352 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે જામનગર જિલ્લામાં વધુ 38 કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં 27 કેસ અને એકનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લામાં 25, 2 મોત, ગીર સોમનાથ જિલ્લામાં 8, પોરબંદર જિલ્લામાં 19 કેસ, 1 મોત, અમરેલી જિલ્લામાં 30 પોઝિટિવ નોંધાયા હતા.
રાજકોટમાં ફેરિયાઓના મેડિકલ ચેકઅપ બાબતે ગુંદાવાડી માર્કેટ બંધ કરવામાં આવી છે. હેલ્થ કાર્ડ માટે આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં ફેરિયાઓ એકત્રિત થઈ જતા અવ્યસ્થા ઉભી થઈ હતી. હેલ્થ કાર્ડ ખૂટી પડ્યાની વાત વહેતી થતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.