રાજકોટ કલેક્ટરનો મોટો નિર્ણય, રાજકોટથી અમદાવાદ જવા અને આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, રાજકોટ
કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં લીધા છે ત્યાં જ સતત વધી રહેલા કોરોના કેસને કારણે રાજકોટ જિલ્લા કલેક્ટરે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદથી ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ કલેક્ટરે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આવવા-જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કોવિડ-૧૯ના ૬૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. ૨૬ લોકો સારવાર બાદ સાજા થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરના નવા આદેશ અનુસાર કોઈપણ વ્યક્તિ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ અવર-જવર કરી શકશે નહીં. શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં છૂટછાટ માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સી સેવાને આપવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદથી એક વ્યક્તિ રાજકોટ ગયો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કલેક્ટર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર રાજકોટમાં કોઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. સુરત તેમજ અન્ય જિલ્લામાંથી મંજૂરી સાથે પોતાના વતન જતા લોકોને રાજકોટમાંથી પસાર થવા દેવામાં આવશે. આ લોકો રાજકોટમાં રોકાઈ શકશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.