રાજકોટ સિવિલના બે મહિલા તબીબ, ભાવનગરમાં પતિ-પત્ની અને બોટાદમાં એક જ પરિવારના ૪ સભ્યોને કોરોના પોઝિટિવ
રાજકોટ જિલ્લામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટનાં નાનામોવા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ એપાર્ટમેન્ટમાં ૧ અને રેલનગરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં અમદાવાદથી આવેલા પતિ-પત્ની અને અમરેલીમાં બે પુરૂષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બોટાદમાં એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના બે મહિલા તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેમાં ડો. મનીષા પંચાલ
(ઉ.વ.૩૮ રહે. ગ્રીન પાર્ક એરપોર્ટ રોડ) અને ડો મેઘવી ભપલ (ઉ.વ.૩૭ રહે.અંજની સોસાયટી)નો સમાવેશ થાય છે. આ બંને મહિલા તબીબ અમદાવાદથી ફરજ બજાવી રાજકોટ આવ્યા હતા. રાજકોટ શહેરમાં કેસની સંખ્યા ૧૦૧ થઇ છે.
બોટાદમાં વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. બોટાદના મોટી વાડી વિસ્તારના એક જ પરિવારના ૪ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ૪૦ અને ૪૬ વર્ષના પૂરૂષ અને ૮૧ અને ૩૮ વર્ષની મહિલાનો સમાવેશ થાયે છે. આ ચારેય પરિવારજનો બે અઠવાડીયા પહેલા અમદાવાદ અને નડીયાદથી બોટાદ આવ્યા હતા. બોટાદમાં અત્યાર સુધીમાં કોરોના કેસની સંખ્યા ૬૪ થઇ છે. જેમાં ૨ના મોત, ૫૭ લોકો સાજા થયા અને ૫ દર્દી સારવાર હેઠળ છે.
અમદાવાદથી અમરેલી જિલ્લામાં આવેલા બેને પોઝિટિવ રિપોર્ટ
અમરેલી જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારીના ભાડેર ગામે ૨૦ વર્ષીય યુવક અને બાબરાના ૪૨ વર્ષીય પૂરૂષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બંને કોરોના પોઝિટિવ જુદી જુદી તારીખે અમદાવાદથી આવ્યા હતા. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૦ થઇ ગઇ છે. હાલ ૮ દર્દી સારવાર હેઠળ છે.
અમદાવાદના બાપુનગર ખોડીયારનગર લીલાનગર સોસાયટીમાં રહેતા હંસાબેન હીરાભાઇ ગોહિલ (ઉ.વ.૫૮) અને હીરાભાઇ હરજીભાઇ ગોહિલ (ઉ.વ.૫૯) બંને ગારીયાધાર પોતાની દીકરીને ત્યાં આવ્યા હતા. અહીં કોરોનાના લક્ષણો જણાતા ગારીયાધાર આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને સંપર્ક સહિતની હિસ્ટ્રી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હંસાબેન ડાયાબિટીસના દર્દી છે અને હીરાભાઇ હ્રદયરોગના દર્દી છે.
નાના મોવા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ પટેલ (ઉંમર-૫૪) કે જેઓ સુરેન્દ્રનગરથી આવ્યાં હતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ રેલનગરમાં આવેલ નાથદ્વારા સોસાયટીમાં રહેતા મીનાબેન અજીતસિંહ પરમાર (ઉંમર-૫૧) અને અજીતસિંહ પ્રતાપસિંહ પરમાર (ઉંમર-૫૬)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. નાનો મોવા પાસે આવેલા સિલ્વર પોઇન્ટ ફ્લેટમાં એક કેસ પોઝિટિવ આવાતા ૧૦ લોકોને કન્ટેઇનમેન્ટ કર્યા છે. જ્યારે ચાર વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં ફેસીલીટી ક્વોરન્ટિન કર્યા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૪૯ કેસ નોંધાયા છે. જેમાં શહેરનાં ૧૦૧ અને ગ્રામ્યનાં ૪૮ કેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટના લોધિકામાં ૪૫ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમદાવાદમાં સેન્ચ્યુરી એપાર્ટમેન્ટમાં રહેતા અને મ્ૐસ્જી ડોક્ટર હીનાકૌશર રિયાઝ અમહેમત ચૌહાણ (ઉંમર-૫૧) ભાવનગરમાં તેમના સંબંધીને મળવા આવતા હતા. ત્યારે રસ્તામાં જ તેમને કોરોનાનાં લક્ષણો જણાતા તેમને સીધા જ સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.