મેઘકહેર: બે દિવસમાં 25 ઇંચ વરસાદથી દ્વારકા જિલ્લામાં જળબંબાકાર, 34 માર્ગ બંધ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, દ્વારકા

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં મેઘમહેરથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત મેળવી છે. બે દિવસમાં સૌથી વધારે વરસાદ જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં નોંધાયો છે. આથી આ બંને જિલ્લામાં મેઘમહેરની સાથે મેઘરાજાએ મેઘકહેર પણ મચાવ્યો છે. દ્વારકામાં બે દિવસમાં અનરાધાર ૨૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આથી દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. દ્વારકાના ગુરૂદ્વારા વિસ્તારમાં હજી ૪થી ૫ ફૂટ પાણી ઘરોમાં ભરાયેલા છે. જ્યારે વધારે નીચાણવાળા વિસ્તારોમાં હજી ૮ ફૂટ સુધી પાણી ઘરોમાં ભરાયેલા છે. ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાની અંદર પ્રવેશતા ૩૪ સ્ટેટ હાઇવે બંધ છે.

ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત લોકોની ઘરવખરી પલળી ગઇ છે. ગુરૂદ્વારા વિસ્તારમાં વીજ મીટર સુધી પાણી પહોંચી ગયું હતું. આથી લોકોના ઘરની તમામ વસ્તુ પલળી ગઇ છે. ઘરોમાં ટેબલ, ખુશી તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમજ ઘરની બહાર પાર્ક કરેલી બસો પણ અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોની જિંદગી દયનીય બની ગઇ છે. સૌથી વધારે ખરાબ હાલત ઝુપડપટ્ટી વિસ્તારમાં જોવા મળી રહી છે. કારણ કે ઘરવખરી સહિત મોટાભાગના ઝુપડા પૂરના પાણીમાં તણાય ગયા છે. દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી પણ ગુલ હોવાથી રાત્રે અંધારપટ્ટ છવાઇ જાય છે.

દ્વારકા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ખંભાળીયા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ખંભાળીયામાં પણ પાણી ઓસર્યા નથી. ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોના ઉભા પાક બળી રહ્યા છે. તેમજ મોટાભાગના ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. નગડીયા ગામના ૨૫ જેટલા ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે.

દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં માથાડૂબ પાણી ભરાયા છે. ગામના મકાનો અડધા ડૂબી ગયા છે. ગામના લોકો ઉંચાઇવાળા મકાન હોય ત્યાં આશરો લીધો છે. ગામની બજારોમાં જાણે નદીમાં ઘોડાપૂર આવ્યું તેમ પાણી વહી રહ્યા છે. ગામમાં પાણી ઘૂસા જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. ગામમાં જવા-આવવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે. કુદરતી આફતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નાના-મોટા તમામ ચેકડેમો સાથે મોટા જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઇ જતા ઓવરફ્લો થયા છે. જેમાં ખંભાળીયાનો ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા ડેમ, વર્તું-૧ ડેમ, સોનમતી ડેમ, મિણસાર ડેમ, વેરાડી-૧ અને વેરાડી-૨ ડેમ, શેઢા ભાડથરી ડેમ, કબરકા ડેમ, ગઢકી ડેમ, કંડોરણા ડેમ સહિત તમામ ડેમો તેની સપાટીથી ભયજનક સપાટીએ ઓવરફ્લો થઇ ગયા છે. આથી સમગ્ર જિલ્લામાં પાવાની પાણીનો પ્રશ્ન સંપૂણ હલ થઇ ગયો છે.

દ્વારકામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદના લીધે જગતમંદિરનું શિખરદંડ તૂટી ગયું હતું. ભારે પવન અને વરસાદના લીધે જ્યાં મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવે છે તે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવાનો દંડ તૂટ્યો હતો. મહત્વનું છે કે, દરરોજ ભકતો દ્વારા શીખર પર રોજની પાંચ ધ્વજા ચડાવવા આવે છે. પરંતુ ભારે વરસાદથી જગતમંદિરના શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ વચેથી તૂટી જતા મુખ્ય દંડ ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.