મજૂરો માટે રેલવે ભાડા ખર્ચ સહિતની જવાબદારી કોંગ્રેસ ઉઠાવશે
રખેવાળ, નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, જરૂરિયાત વાળા મજૂરો અને પ્રવાસી મજૂરો માટે રેલવે ભાડા ખર્ચ સહિતની જવાબદારી દરેક રાજ્યની કોંગ્રેસ કમિટિ ઉઠાવશે. સોનિયાનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયને ઘણી વખત માંગ કરવામાં આવી છે કે લોકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરો સુધી પહોંચાડવાનું ભાડું ન લેશો, પરંતુ કોંગ્રેસની વાતને ધ્યાનમાં જ ન લેવાઈ.
સુબ્રમણ્યમ સ્વામીએ મજૂરો પાસેથી ભાડુ લેવા અંગે સવાલ કર્યા છે, તેમણે કહ્યું કે, હાલની સ્થિતિમાં પીએમ કેરમાંથી આ મજૂરો માટે પૈસા કેમ નથી અપાઈ રહ્યા?તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક બાજુ રેલવે મંત્રાલય પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ વસુલી રહી છે અને બીજી તરફ પીએમ કેરમાં૧૫૧ કરોડ રૂપિયાનું દાન કરી રહ્યા છે. જરા આ ગુંચવાળો ઠીક કરશો.
સોનિયાએ સવાલ કર્યો કે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભાડુ લેવામાં આવ્યુ નથી તો પછી પ્રવાસી મજૂરો માટે આવું કેમ ન કરાયું? સોનિયાનું કહેવું છે કે જ્યારે આપણે ગુજરાતના એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી ૧૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ અને જમવા પર ખર્ચ કરી શકે છે, રેલવે મંત્રાલય વડાપ્રધાનના કોરોના ફંડમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે તો પછી પ્રવાસીઓને ફ્રી રેલવે યાત્રાની સુવિધા શા માટે આપી શકતા? અહીંયા હેરાન કરનારી વાત એ છે કે સંકટની ઘડીમાં કેન્દ્ર સરકાર અને રેલવે પ્રવાસીઓ પાસે ભાડુ વસુલી રહ્યા છે.