મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીના હસ્તે થશે: કાલથી બન્ને ટીમનું અમદાવાદ આગમન

ગુજરાત
ગુજરાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત: સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા: ક્રિકેટરો એક મહિના સુધી અમદાવાદમાં રોકાશે

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની ઉપલબ્ધી હાંસલ કરનાર અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એક ડે-નાઈટ અને એક ડે ટેસ્ટ મેચ ઉપરાંત પાંચ ટી-20 મેચની શ્રેણી રમાવાની હોવાથી ક્રિકેટરસિકો આ મુકાબલાઓ નિહાળવા માટે રીતસરના અધીરા બની ગયા છે. બીજી બાજુ 23 ફેબ્રુઆરીએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થનાર હોવાથી ગુજરાત ક્રિકેટ એસાસિએશન દ્વારા તેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ આવતીકાલથી બન્ને ક્રિકેટ ટીમો અમદાવાદ આવી પહોંચવાની હોવાથી સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

24 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે તેના આગલા દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોના હસ્તે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત કાલથી આવી પહોંચનારી ક્રિકેટ ટીમો 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકાવાની હોવાથી રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીની સુરક્ષાની સાથે સાથે પોલીસે ક્રિકેટરોને પણ એક મહિના સુધી સુરક્ષા આપવાની રહેશે. આજે પોલીસ કર્મીઓને મેચ ડયુટીની ફાળવણી કરી દેવામાં આવી હતી અને આવતીકાલથી જે કર્મીને ડયુટી ફાળવાઈ હશે તેઓ પોઈન્ટ ઉપર ગોઠવાઈ જશે.

બન્ને ક્રિકેટ ટીમોને મોટેરા સ્ટેડિયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હોય આજથી જ હોટેલ પર સજ્જડ સુરક્ષા-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 24થી લઈ 20 માર્ચ સુધી બે ટેસ્ટ અને પાંચ ટી-20 મેચ રમાશે. આમ ગુજરાતના ઈતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ એક મહિના સુધી એક જ શહેરમાં રોકાઈ હોય.

બીજી બાજુ અત્યારે કોરોનાનું જોખમ પણ હોય પોલીસ સામે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પણ ચુસ્ત પાલન કરાવવાનો પડકાર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટેરામાં રમાનારા ડે-નાઈટ ટેસ્ટ મેચમાં અડધી ક્ષમતામાં મતલબ કે 55 હજાર જેટલા ક્રિકેટરસિકોને આવવાની પરવાનગી આપવામાં આવી હોય ગણતરીના દિવસોમાં જ તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.