PM મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને લીધા પગલાં, આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ
વડા પ્રધાન મોદીએ ગુરુવારે NSA અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન (પીએમ મોદી)ને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના એક સૂત્રના જણાવ્યા અનુસાર વડાપ્રધાનને આતંકવાદ વિરોધી પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાને તેમને આતંકવાદ વિરોધી ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી હતી અને સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર સિંહા સાથે પણ વાત કરી
વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ વાત કરી અને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાનને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી.
આતંકવાદીઓને શોધવા માટે મોટું ઓપરેશન
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધી કાઢવા માટે ગુરુવારે વિવિધ જિલ્લાઓના જંગલ વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એક મહિલાએ બે વ્યક્તિઓની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરી હતી, જેના પગલે પોલીસે અર્ધલશ્કરી દળો સાથે મળીને જમ્મુની બહારના નરવાલ બાયપાસ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા
કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.