પાટીલની જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 પ્લસ અને ત્રણ ટર્મવાળાને ટિકિટ નહીં મળે, સગા સંબંધીઑને પણ ટિકિટ નહીં

ગુજરાત
ગુજરાત

આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. આજે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે-તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે અને ચોથી ફેબ્રુઆરીએ ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાશે.

ભાજપ આ વખતે મહત્તમ યુવા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય એવી શક્યતા છે. મહદંશે બેઠકમાં આખરી ફાઈનલ થયેલી યાદી જ દિલ્હી મોકલાશે. માત્ર પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેવા વોર્ડમાં બે કે ત્રણ નામોની પેનલવાળી યાદી દિલ્હી મોકલવામાં આવશે. આગામી 4 ફેબ્રુઆરીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડશે. જ્યારે જે વોર્ડમાં પ્રશ્ન પેચીદો હશે એ વોર્ડમાં છેલ્લી ઘડીએ નામો જાહેર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

અમદાવાદના ભાજપના ઉમેદવાર નક્કી થાય એ પહેલાં મેયરપદ માટે દોડાદોડ શરૂ થઈ છે. શહેરમાં ભાજપ ચૂંટણી જીતશે તેવા આશાવાદ સાથે જ મેયર માટે આનંદીબેન પટેલ અને અમિત શાહ જૂથના ઉમેદવારોના દાવપેચ શરૂ થઈ ગયા છે. જોકે સીમાંકનને કારણે ટોચના નેતાઓએ પોતાના ચોકઠા પણ ગોઠવી દીધા છે. માનવામાં આવે છે કે અડધા અમદાવાદની ટિકિટ અમિત શાહ નક્કી કરી શકે છે. કેટલાક ધારાસભ્ય અને સંસદ સભ્યોએ પોતાના ટેકેદારોનાં નામ પેનલોમાં મૂકી દીધાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.