રાજ્યમાં માત્ર ૧૦ % દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી, વધુ વેન્ટિલેટરની જરૂરના અનુમાન ખોટાં પડ્યાંઃ નીતિન પટેલ.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવારમાં માત્ર ૧૦ ટકા દર્દીઓને જ વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે. જ્યારે મોટાભાગના દર્દીઓ સાજા થઇ શક્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન વધુ વેન્ટિલેટરની જરૂર પડશે તેવા અનુમાનો ખોટાં પડ્યાં હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે જ કેન્દ્રએ ગુજરાતને એક હજાર વેન્ટિલેટર આપવાનું કહ્યું હતું, તેમાંથી ૪૦૦ વેન્ટિલેટર આવી ગયાનું પણ જણાવ્યું છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ બનશે અને હજારો વેન્ટિલેટરની જરૂર પડશે તેવા અનુમાનો હતા અને તેના આધારે ગુજરાત સરકારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર તૈયાર રાખ્યા હતા, પરંતુ અત્યારસુધીમાં કોરોનાના દર્દીઓમાંથી ૧૦ ટકાને જ વેન્ટિલેટરની જરૂર પડી છે. એટલે કે, કુલ દર્દીઓમાંથી ૬૦થી ૭૦ દર્દીને જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બાકીના મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની સારાવારથી સાજા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પણ એક હજાર આધુનિક વેન્ટિલેટર આપવાનું કહ્યું હતું. તેમાંથી પ્રથમ ૪૦૦ વેન્ટિલેટરનો જથ્થો આવી ગયો છે. વેન્ટિલેટર ગુજરાતમાં આવી ગયા હોવાથી રાજ્યના અન્ય જિલ્લાનીઓ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર હશે.