સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા
સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવક રાત્રે ઘરે એકલો હતો એ દરમિયાન બાથરૂમ જવા જતા ત્યાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ ભાઈએ ઘરે પહોંચી દરવાજો તોડીને અંદર જોતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ તો આ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 38 વર્ષીય મંગલસિંહ શિવસિંહ ગૌર પરિવાર સાથે ભેસુ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. મંગલસિંહ પાન સેન્ટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. હાલ તેની પત્ની અને દીકરી વતનમાં છે.
જસવંતસિંહે જણાવ્યું હતું કે, મારો ભાઈ ઘરમાં હતો, તેનો ફોન સ્વીચઓફ આવી રહ્યો હતો. પપ્પાએ પણ કહ્યું કે, ફોન સ્વીચઓફ આવી રહ્યો છે. મેં દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો આથી દરવાજો તોડી અંદર ગયો તો તેની ડેડબોડી મળી હતી. બાદમાં 108 મારફત હોસ્પિટલ ખસેડી પીએમ રૂમમાં પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે. મારા ભાઈનો પરિવાર બે-ત્રણ વર્ષથી સુરતમા રહે છે.