ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોના-ચાંદીનાં ભાવમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો થયો
દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં થયેલા ભડકાની અસર ગુરુ પુષ્ય નક્ષત્ર નિમિત્તે થતી ખરીદી પર જોવા મળી છે.આજે વડોદરામાં સોના ચાંદીની ખરીદીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્રમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૩૦૦૦ રુપિયાની આસપાસ હતો અને આજે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૮૧૩૦૦ રુપિયા હતો.જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ રુપિયા હતો.જેની સીધી અસર આજે ખરીદી પર થઈ હતી. સોના ચાંદીના વેપારી સુનિલભાઈના કહેવા પ્રમાણે બે મહિના પહેલા સોનાનો ભાવ ૭૦૦૦૦ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ હતો ત્યારે જ ઘણા લોકોએ ખરીદી કરી લીધી હતી.
આજે લોકોએ શુકનની ખરીદી વધારે કરી છે.સામાન્ય રીતે ૧૦ ગ્રામ સોનુ લેનારા ગ્રાહકોમાંથી ઘણા ખરાએ આજે ૨ કે ત્રણ ગ્રામ સોનુ લીધું છે.ભાવ વધારાના કારણે સોનાની લગડીઓ પણ આ વખતે ગત વર્ષ કરતા ઓછી વેચાઈ છે.કુલ વેચાણમાં લગડીઓનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા રહ્યું છે.જ્યારે બાકીની ખરીદી દાગીનાની છે. એક અંદાજ અનુસાર આજે ૭૫ થી ૮૦ કરોડ રુપિયાની ખરીદી વડોદરા શહેર અને જિલ્લામાં થઈ છે.જેમાં ચાંદીનું પ્રમાણ ૨૦ થી ૩૦ ટકા રહ્યું છે.ગત વર્ષ કરતા આ વખતે સોના ચાંદીનુ ૪૦ ટકા જેટલુ ઓછુ વેચાણ જોવા મળ્યું છે. જોકે વેપારીઓને એવી આશા છે કે, છેલ્લા કેટલાક વર્ષથી ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું ચલણ વધ્યું હોવાથી આ વર્ષે પણ ધનતેરસના દિવસે લોકો શુકન માટે પણ સોનુ અને ચાંદી ખરીદશે.