કરજણ બેઠકની પેટાચૂંટણીની પૂર્વ રાત્રિએ રૂ. 57,700 સાથે 2 શખસ ઝડપાયા

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રિએ મતદારોને રીઝવવા માટે 57,700 રૂપિયા લઇને રોપા ગામ પાસેથી પસાર થઇ રહેલી 2 વ્યક્તિ કરજણ પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી. પોલીસે બે વ્યક્તિની રોકડ રકમ, કાર તેમજ બે મોબાઇલ મળી કુલ 10,66,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરી છે.

મતદાનની પૂર્વ રાતને કતલની રાત કહેવાય છે. મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દેવામાં આવે છે અને દારૂની રેલમછેલ થાય છે, પરંતુ રાજકીય પક્ષો દ્વારા તંત્રના ન્યાયિક ચૂંટણીના દાવાના ધજાગરા ઉડાડતા હોય છે. કરજણ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ લાલભા છનુભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રે 2:30 વાગ્યાના સુમારે રોપા ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. એ સમયે એક કાર પસાર થતાં તેને રોકી હતી અને કારમાં તપાસ કરતાં એમાંથી રોકડા 57,700 રૂપિયા મળી આવ્યા હતા. કારમાં સવાર વ્યક્તિઓની નાણાં અંગે પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામાના ભંગ બદલ 57,700 રૂપિયા રોકડા, કાર અને બે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

આ સાથે આ બનાવમાં સોહિલ મહંમદ ચૌહાણ,વિઘ્નેશ દિલીપભાઇ પટેલ અને મીત પટેલ નામની વ્યક્તિ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્રણ પૈકી સોહિલ ચૌહાણ અને વિઘ્નેશ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીના કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કોવિડ-19ના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સોમવારે મોડી રાત્રે કરજણ તાલુકાના રોપા ગામ પાસે 57,700 રૂપિયા સાથે 3 વ્યક્તિની ધરપકડ થતાં તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઝડપાયેલી 2 વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિ મોડી રાત્રે મતદારોને રીઝવવા માટે નાણાં આપવા માટે નીકળી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઝડપાયેલી બે વ્યક્તિએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે અને રોપા ગામ પહોંચીને રૂપિયા કોને આપવાના છે, તેમ જણાવશે તેવું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.