ધોરણ ૧૨ કોમર્સનું ૭૬.૨૯% પરિણામ જાહેર, સૌથી વધુ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા, જ્યારે સૌથી ઓછું જુનાગઢનું ૫૮.૨૬ ટકા પરિણામ
રાજ્યમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર થયું છે. ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. સુરત શહેરમાં A૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬ જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ A૧ ગ્રેડમાં પાસ થયા છે.
ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું ઘટ્યું પણ ધો.૧૨ કોમર્સનું પરિણામ ૩ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થીનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા ૩ ટકા પરિણામ વધુ આવ્યું છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજીતરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે.
તાજેતરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે ૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના ૮ વાગ્યાનો જાહેર કર્યો છે. રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે સૌથી વધુ ૫૨ હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજિસ્ટર્ડ થયા હતા. જ્યારે કે અમદાવાદ શહેરમાંથી ૩૬ હજાર અને ગ્રામ્યમાંથી ૨૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.
આભાર – નિહારીકા રવિયા