સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથાનું વર્લ્ડ કલાસ મ્યુઝિયમ બનશે, રાજવી પરિવારો સાથે બેઠક

ગુજરાત
ગુજરાત

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે દેશના 562 રજવાડાઓની શૌર્ય ગાથાને ઉજાગર કરતું વર્લ્ડ કલાસનું મ્યુઝીયમ તૈયાર થશે તેવુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજવી પરિવારના પરિવારજનો સાથે મળેલી બેઠકમાં જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશભરના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો સાથે એસઓયુ ખાતેના મ્યુઝિયમ અંગે પરામર્શ બેઠક યોજાઇ : મંત્રી સર્વેશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજાની ઉપસ્થિતિ રહી હતી.

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે અખંડ ભારતની રચનામાં પોતાનું રજવાડુ સમર્પિત કરનાર 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ કેવડિયા ખાતે તૈયાર થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી ત્યારે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ સાકાર કરી છે. કેવડિયા ખાતે એકતા નર્સરી, એકતા ભવન વગેરે ભારતની વિશેષતાઓ રજુ કરાઇ છે.

અલગ અલગ ભાષાઓ, બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે એકતાનો ભાવ રજુ કરતો એકતા મોલ તૈયાર થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતભરના પ્રવાસીઓ એકતાનો અનુભવ કરે તે જરૂરી. છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આખી વ્યવસ્થામાં એકતાને કેન્દ્ર સ્થાને પ્રયાસ કરાયો છે. વડીલોએ પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા 562 રજવાડાઓને દેશની એકતા માટે સરદાર વલ્લભભાઇ પટેલની સમર્પિત કર્યા તે ખૂબ જ સરાહનીય કાર્ય છે.

562 રજવાડાઓનો ઇતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનાર પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. અમારી સરકાર ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ આવે તે દિશામાં આગળ વધી રહી છે. અમારી સરકાર વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને આગળ વધારી રહી છે. કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના પ્રવાસીઓને રહેવા માટે 5,000 રૂમનું ભવ્ય સંકુલ નિર્માણ થશે. વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવું લક્ષ્યાંક : હાલમાં વર્ષે 40 લાખ પ્રવાસીઓ એસઓયુની મુલાકાતે આવે છે.

રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવા સરકારના પ્રતિનિધિ અને રાજવીશ્રીઓના પરિવારજનોની કમિટી બનાવીને તેમના સૂચનો લેવાશે. ભૂતકાળમાં રાજવીઓએ આપેલા સુશાસનમાંથી અમે પ્રેરણા લઈને પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ. આ મ્યુઝિયમ ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં કામ કરાશે. મુખ્યમંત્રીએ રાજવીઓના પરિવારજનોનો દેશ પ્રત્યેના સમર્પણ ભાવને બિરદાવીને મ્યુઝિયમ બનાવવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 562 રજવાડાઓનું આ ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપી છે જ્યારે તેને ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સમાજવતી આભાર માન્યો હતો.

આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો.આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીશ્રીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો. આ બેઠકમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત વિવિધ પ્રાંતના રાજવીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.