અમદાવાદમાં આ વર્ષે રોગચાળાના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા
સ્માર્ટસિટીની ઓળખ ધરાવતુ અમદાવાદ બીમાર સિટી બન્યુ છે. આવર્ષની શરુઆતથી અત્યાર સુધીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના ૨૦ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં ઝાડા ઉલટીના સૌથી વધુ ૩૧૫૨ કેસ નોંધાયા છે.ઉત્તર ઝોનમાં આવેલા સરસપુર-રખિયાલ વોર્ડમાં ઝાડા ઉલટીના ૮૫૦ તથા દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ૭૭૯ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષનેતાએ કહયુ,શહેરના સર્વાંગી વિકાસની વાતો વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ તરફથી અવારનવાર કરવામા આવે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરીજનોને એક સમય પીવાનુ ચોખ્ખુ પાણી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પુરુ પાડી શકતુ નથી. આ કારણે શહેરના અનેક વોર્ડ વિસ્તારમા રહેતા લોકો પ્રદૂષિત પાણી પી વિવિધ બીમારીનો ભોગ બની રહયા છે. આ તબકકે શાસકપક્ષ તરફથી કોઈ દલીલ કરવા કે જવાબ આપી શકવાની સ્થિતિમાં નહતુ. મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના સૌથી વધુ ૧૧૬ કેસ ગોતા વોર્ડમાં નોંધાવા પામ્યા છે.